ખેરગામ તાલુકાનાં અમુક ગામોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેતરોમાં જંગલી ભૂંડનો ત્રાસ વધી જતાં ખેતરોમાં પાકને પણ નુકસાન થાય રહ્યું છે. જોકે નાંધઇ ગામે એક મહિલા પર પણ ભૂંડ દ્વારા હુમલો થતાં મહિલાને પગમાં ઇજા પહોંચતા 10 ટાંકા લેવા પડતા લોકો ભયભીત થઈ રહ્યા છે. બનાવની વિગત એવી છે કે, ખેરગામ તાલુકાનાં અનેક ગામના વિસ્તારોમાં જંગલી ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જે રાત્રિએ ખેતરોમાં તરખાટ મચાવતા ખેતરોમાં પાકને પણ ભારે નુકસાન પહોંચાડવાની સાથે હવે લોકો ઉપર હુમલાની ઘટના પણ બની રહી છે.
જયારે ખેરગામ તાલુકાનાં નાંધઇ ગામના વાળી ફળિયામાં રહેતી ઉષાબેન બાલુભાઈ પટેલ (ઉ.વ.50) ગત તા.18 ડિસેમ્બરે સવારે 10:30 વાગ્યે પોતાના ખેતરમાં કામ કરી રહી હતી. તે દરમિયાન એક જંગલી ભૂંડનું ઝૂંડ ધસી આવ્યું હતું અને મહિલા ઉપર અચાનક એક ભૂંડે હુમલો કરી દેતાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવતાં જંગલી ભૂંડનું ઝૂંડ ભાગી ગયું હતું. આ બનાવમાં મહિલાના પગના ભાગે ભૂંડે બચકું ભરી દેતાં મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી.
જોકે મહિલાના પગના ભાગે ઈજા પહોંચતાં તેને સારવાર માટે ખેરગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં મહિલાના પગના ભાગે 10 જેટલા ટાંકા લેવાની નોબત આવી હતી. મહિલા ઉપર જંગલી ભૂંડના હુમલા બાદ સ્થાનિક લોકોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જયારે તંત્ર ગંભીરતા દાખવી જંગલી ભૂંડોને પકડવાની તજવીજ હાથ ધરે તેવી માંગ લોકોમાં ઊઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500