બીલીમોરામાં હળવા પવન સાથે થોડો વરસાદ વરસ્યો હતો તેમજ વરસાદી વતાવરણમાં બીલીનાકા પાસેનાં વીજપોલ ઉપર કરંટ પસાર થતા તેની નજીક ઉભેલા વાછરડાને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજયું હતું. બનાવની વિગત એવી છે કે, બીલીમોરા પંથકમાં હળવા પગલે વરસાદ દસ્તક આપી રહ્યો છે ત્યારે બુધવારે રાત્રિ દરમિયાન જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું.
જોકે રાત્રિ દરમિયાન બીલીમોરામાં એમ.જી.રોડ. બીલીનાકા વિસ્તારમાં આવેલ વીજ લાઇનની સર્વિસ લાઇનમાંથી વીજપોલ ઉપર કરંટ ઉતરતાં તેને અડીને ઉભેલા વાછરડાને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જયારે આ વીજપોલ ઉપર કરંટથી બચવા પ્લાસ્ટિકનું આઇસોલેશન કવર પણ ચઢાવાયું હતું. આમ છતાં આ વીજપોલમાં કરંટ કઈ રીતે ઉતર્યો તે બાબતે લોકોમાં નવાઈ પામવા ફેલાયું હતું.
પરંતુ આ ઘટના સ્થળે કોઈ બાળક ભૂલથી રમવા ગયું હોત અને આ દુર્ઘટના સર્જાઈ હોત તે વિચાર માત્રથી કંપારી છુટી જાય છે. વીજ કંપનીના અધિકારીએ થાંભલા ઉપરની સર્વિસ લાઇનને વૃક્ષ ડાળ અડતા કદાચ નાનું પંચર પડ્યું હોવાથી તેનો કરંટ થાંભલા ઉપર ઉતર્યો હતો, જેના કારણે નીચે જમા થયેલા પાણીમાં આ ગૌવંશનો પગ પડતા આ ઘટના સર્જાઈ હોવાનું કારણ જણાવ્યું હતું. આ ઘટના બાદ વીજ કંપનીએ સમારકામ હાથ ધરાયું હતું ત્યારે વીજ કંપની દ્વારા ગામના દરેક વીજપોલ ઉપર ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500