નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અન્ય શહેરોમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. જેમાં કેટલીકવાર પ્રવાસીઓનાં સામાન અને રોકડ રકમની ચોરીનાં બનાવો પણ બનતા હોય છે. જેમાં ગાંધીધામ કચ્છથી આવેલા એક પ્રવાસીની કારનો કાચ તોડી કોઈ અજાણ્યો ચોર ગાડીમાંથી રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ચોરી કરી જતા કેવડીયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, વિક્રમસીંહ રામસીંહજી ચૌહાણ (રહે. નીલકંઠ બંગલોઝ, પ્લોટ નં.27, એરપોર્ટ રોડ, ગાંધીધામ, જિ.કચ્છ) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તેમના પરિવારના સભ્યો સાથે કાળા કલરની નંબર વગરની સ્કોર્પીયો ગાડી લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.
જ્યાં કેવડીયા પાર્કીંગ નં.02માં પોતાની ગાડી પાર્ક કરી ફરવા માટે ગયા એ દરમિયાન કોઇ અજાણ્યા ચોરે તેમની સ્કોર્પીયો ગાડીનો ખાલી સાઇડનો કાચ તોડી અંદર મુકેલી બેગમાંથી કુલ રોકડા રૂપિયા 1.50 લાખ તથા ઇન્ડીયન બેંક અને એસ.બી.આઇ બેંકનાં ડેબીટ કાર્ડ તથા બીજા ડોક્યુમેન્ટ, કપડા તેમજ પરચુરણ સરસામાનની ચોરી કરી હતી. બનાવ અંગે કેવડીયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500