નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમનાં કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ નંબર-4નાં જણાવ્યા અનુસાર, નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમની પુર્ણ સપાટી 115.25 મીટર છે. સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલ જાળવવાનું હોય છે. જે મુજબ આજરોજ સવારે 9 વાગ્યેની પરિસ્થિતિએ આ ડેમની સપાટી 107.38 મીટર પહોંચી હતી. જોકે તા.1 ઓગસ્ટ 2023 દરમિયાન ડેમની સપાટીને 107.55 મીટરનો રૂલ લેવલ જાળવવા માટે આજે બપોર 12:30 કલાકે ડેમનાં 3 દરવાજાને 1.4 મીટર ખોલીને કરજણ નદીમાં 16,128 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. પાણીની આવક વધશે તો પાણી વધુ છોડવામાં આવશે. નદી કિનારે વસતા લોકો, ખેતી કરતા, ઢોર ચરાવતા લોકોને ત્યાં હાલ ડેમ નજીક ન જવા જણાવ્યું છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. જયારે કરજણ ડેમ પર પાણી છોડાતા પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500