ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા દેશના ૧૫૦ જિલ્લાઓમાં યુવા ઉત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સુરત-તાપી જિલ્લાનો 'જિલ્લા યુવા ઉત્સવ' સંયુક્ત કાર્યક્રમ વ્યારા તાલુકાના ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ, ઇન્દુ, વ્યારા, તાપી ખાતે નેહરૂ યુવા કેન્દ્ર, સુરત-તાપી દ્વારા સાંસદ પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતીમાં યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી સાંસદ પ્રભુભાઇ વસાવાએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, યુવા ઉત્સવ સહિત અનેક સ્પર્ધાઓના માધ્યમ થકી યુવાનોમા રહેલી સુષુપ્ત પ્રતિભાઓ બહાર લાવવાનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરાયું છે.
તેમણે તમામ સ્પર્ધકોને આવી સ્પર્ધાઓમાં જીતવા કરતા વધારે મહત્વનું ભાગ લેવું છે એમ સમજ આપી હતી. તેમણે રાજ્યસરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ગરીબો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને જ ઘડવામાં આવે છે એમ ઉમેર્યું હતું. વધુમાં તેમણે G-20 અંતર્ગત ‘પંચ પ્રાણ’ની પ્રતિજ્ઞાના પાંચ સિધ્ધાંતોને સમજાવ્યા હતા. અંતે સાંસદએ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને નર્સિંગની ફિલ્ડ એટલે નિશ્વાર્થ સેવા એમ સમજ કેળવી પોતાના પરિવાર અને સમાજને ઉચ્ચ કામગીરી દ્વારા ગૌરવ અપાવવા આહવાન કર્યું હતું.
ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક ઉદદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભારત દેશમાં સૌથી વધુ યુવાઓ છે. યુવાઓ ખરેખર નસીબદાર છે કે જેઓને વર્તમાન સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની સુવિધાઓ-વ્યવસ્થાઓ મળી છે. જેના થકી યુવાઓ પોતાનું અને પોતાના સમાજ સહિત દેશનું ભાવી ઉજ્જવળ બનાવી શકે છે. તેમણે તમામને પોતાની અંદર રહેલ સુષુપ્ત શક્તિઓને વિકસાવવા અનુરોધ કર્યો હતો. નોંધનિય છે કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં 'યુવા શક્તિ સે જનભાગીદારી' નો મુખ્ય ઉદ્દેશ છે.
ત્યારે વડાપ્રધાનશ્રીના 'પાંચ પ્રણ'ની થીમ પર નેહરૂ યુવા કેન્દ્ર, સુરત(તાપી) ના નેતૃત્વમાં આયોજિત યુવા ઉત્સવમાં યુવાનો પોતાની સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકે એવા આશયથી કાવ્યલેખન, ચિત્રકામ, વકતૃત્વ, ફોટોગ્રાફી તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) જેવી અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓ નિહાળી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. અંતે ઉપસ્થિત સૌએ 'પાંચ પ્રણ'ની થીમ પર દેશના વિકાસમા સહભાગી થવા પ્રતિજ્ઞા લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500