ગાંધીનગર શહેર નજીક આવેલ ઝુંડાલમાં રહેતી અને અડાલજમાં મહિલા વર્ષોથી પતિ સહિત સાસરીયાઓનો ત્રાસ સહન કરતી હતી અને બે બાળકો સાથે અલગ રહેવા ગયા બાદ પતિ પાસે ભરણ પોષણની માંગણી કરતા તેણે કેનાલમાં ફેંકીને મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે છેવટે આ અંગે કંટાળીને આ મહિલાએ ગાંધીનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત પાંચ સામે ફરિયાદ આપી છે. મળતી માહિતી મુજબ, મુળ મહેસાણા જિલ્લાની અને પરિવાર સાથે ઝુંડાલમાં રહેતી યુવતીના લગ્ન 20 વર્ષ અગાઉ અડાલજ ખાતે રહેતા એક યુવાન સાથે થયા હતા.
જોકે, લગ્ન જીવનની શરૂઆતથી જ સાસરીયાઓ દ્વારા દહેજ મામલે ત્રાસ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ પરિણીતા મુંગામોઢે ત્રાસ સહન કરી રહી હતી. પરંતુ સાસુ સસરા અને જેઠ-જેઠાણી જે નાની-નાની બાબતમાં વાંધા વચકા કાઢીને બોલાચાલી કરતા હતા. જયારે સામાજિક પ્રસંગોમાં પણ પિયરમાંથી રૂપિયા લઇ આવવા માટે દબાણ કરવામાં આવતુ હતું. પતિને ધંધામાં દેવું થઇ જતા ઘરમાં ભુવા ધુણાવતો હતો અને પત્નિ તેનો વિરોધ કરે તો ગર્ભવતી હોવા છતાપણ માર મારતો હતો.
ત્રાસ સહન કરવા છતા પણ આ પરિણીતાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. ઘર ખર્ચ અને બાળકો માટે પણ પતિ રૂપિયા નહીં આપતા પરિણીતા કંટાળીને અલગ રહેવા ગઇ હતા અને પતિ પાસે ભરણ પોષણ માટે કોર્ટમાં દાવો દાખલ કરતા પતિએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ, કંટાળી ગયેલી આ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત પાંચ સાસરીયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500