ગાંધીનગરનાં ખોરજ ગામની સીમમાં આવેલ સાંજાચૂલા હોટલ સામે પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો અંદરથી રૂપિયા 4.70 લાખ રોકડા ભરેલી બેગ, સોનાની બુટ્ટી તેમજ અલગ-અલગ ગાડીઓની આર.સી બુક અને વીમા પોલિસી સહિત કુલ રૂપિયા 4.85 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં સોલા ભાગવત રોડ સાગર સંગીત હાઇટ્સમાં રહેતો સાવન ભોળાભાઇ પટેલ જય ભવાની મોર્ટ્સ નામે ગાડી લેવેચનો ધંધો કરે છે.
જોકે તેઓ કારમાં ધંધાર્થે અર્થે અન્ય ગાડીઓની આર.સી.બુક તેમજ બીજા જરૂરી ડોક્યુમેન્ટ તેમજ રોકડ રૂપિયા બેગમાં મુકી રાખે છે. જેથી ગત તા.27મી ઓક્ટોબરની રાત્રીના સાવન તેની પત્ની સહિતના પરિવારનાં લોકો અંદાણી શાંતીગ્રામ સામેની સાજાચૂલા હોટલમાં જમવા માટે આવ્યા હતા. તે સમયે સાવને કાર હોટલની સામે પાર્ક કરી હતી. ત્યારે કારમાં રૂપિયા 4.70 લાખ રોકડા, અલગ અલગ કારમાં ઓરીજનલ આર.સી. બુકો તેમજ બેંકોની એન.ઓ.સી., બીજા ઓરીઝનલ ડોક્યુમેન્ટો અને તેની પત્નીની બેગ પણ પડી હતી.
ત્યારબાદ બધા હોટલમાં જમવા માટે ગયા હતા. જેનો લાભ ઉઠાવી અજાણ્ય તસ્કરો કારનો ડ્રાઇવર સાઇડના પાછળના ભાગનો કાચ તોડી અંદરથી બેગોની ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયો હતો. જોકે સાવન સહિતનો પરિવાર જમીને પરત ફર્યા પછી કારનાં કાચ તૂટેલા જોઈ ચોંકી ઉઠયો હતો અને સાવને કારમાં તપાસ કરતા અંદરથી રૂપિયા ભરેલી બેગ, સોનાની બુટ્ટી તેમજ જુદી-જુદી ગાડીઓની ઓરીજનલ આર,સી, બુકો તેમજ વીમા પોલીસી તેમજ અલગ-અલગ બેંકોની ગાડીઓની NOCઓ, ઓફીસ તેમજ ઘરની ચાવી, ઓરીઝનલ પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, એ.ટી.એમ કાર્ડ તેમજ લોકરની ચાવી પણ તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500