માણસા શહેરમાં કલોલ રોડ પર આવેલ દેવ દર્શન સોસાયટીમાં રહેતુ દંપતિ અમદાવાદ ખાતે તેમની પુત્રીના ઘરે ગયું હતું અને અહીં માણસા ખાતે તેમના ઘરે વયોવૃદ્ધ માતા અને બહેન રાત્રિના સમયે સુઈ ગયા હતા ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશી તિજોરીનુ તાળુ તોડી તેમાં મૂકેલ સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ મળી 1,73,000/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી આનુસાર, માણસા શહેરના કલોલ રોડ પર આવેલ દેવદર્શન સોસાયટીના મકાન નંબર-36માં રહેતા અને સિઝનેબલ વસ્તુઓનો વેપાર કરતા 53 વર્ષીય યોગેશપુરી મોતીપુરી બાવા ના બે સંતાનો પૈકી દીકરી તેના સાસરે અમદાવાદ રહે છે અને એક પુત્ર જે છેલ્લા અઢી વર્ષથી ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયો છે અને યોગેશભાઈના 92 વર્ષીય વયોવૃદ્ધ માતા તેમની સાથે માણસા રહે છે.
જેમાં એક તારીખે યોગેશભાઈ તથા તેમના પત્નીને ઓસ્ટ્રેલિયાના વિઝા મળતા તેમણે 26 જૂનની ટિકિટ બુકિંગ કરાવી હોવાથી ખરીદી માટે પતિ-પત્ની બંને જણા અમદાવાદ ગયા હતા અને તેમના દીકરીને ત્યાં રોકાવાનું હોવાથી માણસા ઘરે વયોવૃદ્ધ માતા એકલા હોવાથી તેમણે તેમના બહેનને માણસા રોકાવા માટે મોકલ્યા હતા જેમાં રાત્રે બે વાગ્યા સુધી માણસાના મકાનમાં માં-દીકરી બંને જણા રાત્રીના બે વાગ્યા સુધી જાગતા હતા.
ત્યારબાદ કોઈપણ સમયે અજાણ્યા ચોર તસ્કરોએ અહીં આવ્યા હતા અને ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ચોર ઈસમોએ અંદર પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી બેડરૂમમાં મુકેલ તિજોરીનુ તાળુ તોડી તેમાં રહેલ સોનાનો સેટ, ચાંદીની સેરો તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે યોગેશભાઈને વહેલી સવારે જાણ થતા તેઓ તાત્કાલિક માણસા દોડી આવ્યા હતા.
તેમજ તિજોરીમાં તપાસ કરતા સાડા ત્રણ તોલાનો રૂપિયા 1,57,500/-ની કિંમતનો સોનાનો સેટ, અઢીસો ગ્રામ ચાંદીની સેરો જેની કિંમત 12 હજાર તથા 3500 રૂપિયા રોકડની ચોરી થયાનું માલુમ પડતા તેમણે માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઈસમો વિરૃધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500