ગાંધીનગરનાં માણસા તાલુકાનાં ગોજારીયા હાઇવે પર આવેલ અમરપુરા ગામના પાટીયા પાસે સાંજે બે એસ.ટી. બસ સામસામે ટકરાતા બંને ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી તો તેમાંથી ગંભીર ઇજાગ્રસ્ત 5 જેટલા મુસાફરોને વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવની જાણ માણસા પોલીસને થતાં પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી બંને વાહનો હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, વડનગર એસટી ડેપોની બસ ગતરોજ બપોરે જુનાગઢથી વડનગર તરફ આવી રહી હતી ત્યારે સાંજે સાડા પાંચ વાગે માણસા તાલુકાના અમરપુરા ગામનાં પાટીયા પાસે પહોંચી તે સમયે સામેથી આવી રહેલ સિધ્ધપુર ડેપોની બસ કૃષ્ણનગર તરફ જઈ રહી હતી ત્યારે બસનાં ડ્રાઈવરે ઓવરટેક કરતી વખતે સામેથી આવી રહેલ બસને ડ્રાઇવર સાઈડ ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.
જેના કારણે બંને બસમાં બેઠેલા મુસાફરોએ બૂમાબૂમ મચાવી દીધી હતી અને આ અકસ્માતના કારણે બંને બસના ડ્રાઇવર કંડકટર સહિત 25થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી તો અકસ્માતની જાણ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ બંને બસના મુસાફરોને સલામત બહાર લાવી તાત્કાલિક સારવાર માટે માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના કારણે આ રોડ પર બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ત્યારે માણસા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અકસ્માત થયેલ બંને વાહનોને ખસેડી લેવડાવી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો તો તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને માણસા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને તે પૈકી પાંચ જેટલા મુસાફરોને વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા જે અકસ્માત બાબતે જુનાગઢ વડનગર બસના ડ્રાઈવરે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500