ગાંધીનગર એલસીબીની ટીમે પાલનપુરથી અમદાવાદ લઇ જવાતા વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી લીધું હતું. આમ, વિદેશી દારૂની 10 હજાર જેટલી બોટલો સાથે રૂપિયા 40.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જયારે જમ્મુ કાશ્મીરનાં ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો અને દારૂ ભરી આપનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મહેસાણા તરફથી એક કન્ટેનર આવી રહ્યું છે જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે એલ.સી.બી.ની ટીમે જમીયતપુરા પાસે વોચ ગોઠવી હતી અને આ કન્ટેનર ઉભુ રખાવીને તેમાં તપાસ કરતા વિદેશી દારૂની 10 હજારથી વધુ બોટલો મળી આવી હતી.
તેના ચાલક પવનકુમાર વિજયકુમાર જાટ (રહે.જમ્મુ કશ્મીર) નાને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પુછપરછમાં ખુલ્યું હતું કે, રેલવેમાં તેને કાશ્મીરથી પાલનપુર બોલાવવામાં આવ્યો હતો અને 10 હજાર રૂપિયા આપીને આ કન્ટેનર અમદાવાદ તરફ પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી ગોપાલસિંહ જાટ નામના વ્યક્તિએ આ કન્ટેનર પહોંચાડવા માટે કહ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. બનાવ અંગે પોલીસે રૂપિયા 40.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500