ગાંધીનગરનાં ઈંદ્રોડા પ્રકૃતિ ઉધાન રોડ ઉપર મોડી સાંજે એક કારનાં ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પાછળથી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે બાઈક ઉપર સવાર ત્રણ લોકો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જે પૈકી ઈંદ્રોડાનાં દંપતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે બાઈક ચાલકને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરનાં ઈંદ્રોડા ગામે રહેતાં ભિખાજી ફતાજી મકવાણા ઈન્ફોસિટી પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના કુટુંબીભાઈ રાજુજી મકવાણા અને તેમના પત્ની સવિતાબેન પણ ઈંદ્રોડા ગામે રહી છૂટક મજૂરી કામ કરતા હતા. જેમના પરિવારમાં ત્રણ દીકરી અને બે દિકરા છે. દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે બે દિકરા અપરણિત છે.
જોકે શનિવારનાં મોડી સાંજે ભિખાજી ચ-0 સર્કલથી પોતાના ઘરે ઈંદ્રોડા ગામે બાઈક લઈને જઈ રહ્યા હતા. જેમના બાઈકની પાછળ કુટુંબીભાઈ રાજુજી અને તેમના પત્ની સવિતાબેન પણ બેઠા હતા. ત્યારે સેકટર 1/8 કટ પસાર કરી જ રોડ પ્રકૃતિ ઉધાન નજીક પહોંચતા જ એક કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
જયારે આ અકસ્માત થતાં જ રાજુજી તેમજ સવિતાબેન ઉછળીને નજીકની રેલીંગ તરફ પટકાયા હતા. જ્યારે ભિખાજી પણ રોડ ઉપર પડ્યા હતા. જેનાં પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સનાં સ્ટાફે ઈજાગ્રસ્ત દંપતીને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભિખાજીને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. બનાવ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500