ગાંધીનગરનાં માણસા તાલુકાનાં ચરાડા ગામના ચાર રસ્તા પાસે બપોરે પીલુદરા ગામનો યુવક માણસા જીઇબી કચેરીએ નોકરી પર આવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બાઈક સાથે સામસામે ટકરાતા પીલુદરાના યુવકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પિતાએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાનાં પીલુદરા ગામના વતની અને હાલ માણસા જીઇબી કચેરીમાં નોકરી કરતા 37 વર્ષીય નરેન્દ્રકુમાર મનુભાઈ પરમાર ગતરોજ બપોરે નિત્યક્ર મુજબ તેમનું બાઈક લઈને માણસા જીઈબી કચેરી પર નોકરી આવવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે બપોરના 3.30 વાગે માણસા તાલુકાના ચરાડા ગામના ચાર રસ્તા પાસે પહોંચ્યા તે વખતે માણસા તરફથી આવી રહેલ બાઈકના ચાલેકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી નરેન્દ્રકુમારના બાઈક સાથે ટકરાતા બંને બાઈક સવારો નીચે પટકાયા હતા.
જેમાં જીઈબીનાં આ કર્મચારીને માથાનાં ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકો દ્વારા તેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું તો અકસ્માતની જાણ થતા મૃતકનાં પરિવારજનો પણ માણસા ખાતે દોડી આવ્યા હતા. બનાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવી મૃતકના પિતાએ અકસ્માત કરનાર અને ઇજાગ્રસ્ત થયેલ સામેવાળા બાઈકના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500