ગાંધીનગરથી અમદાવાદ તરફ જતાં ભાટ મધર ડેરી પાસે પંક્ચર પડવાથી કારનાં ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં ઉભી રાખી હતી. તે સમયે મોપેડનો ચાલકે અચાનક ગાડીની પાછળ અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મોપેડનાં ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં સરદાર નગર ખાતે રહેતો હીરો રાધાકિશન બલવાળી શાહીબાગ ખાતે સેમ એજન્સી નામની દુકાનમાં બેકરીને લગતી વસ્તુઓનો વેપાર ધંધો કરી ગુજરાન ચલાવે છે.
જોકે તેઓ ગત તા.19 ઓગસ્ટનાં રોજ સાંજનાં સમયે હીરો અને તેનો મિત્ર વિક્રમ ભાટ રાધે ફોર્ચ્યુન ખાતે કામ પતાવીને સ્વીફટ કાર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. તે સમયે અચાનક ગાડીનાં પાછળના ટાયરમાં પંક્ચર પડયું હતું. જેથી કાર ચાલક હીરોએ કારને રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને કારમાંથી નીચે ઉતરીને જોયું તો મોપેડનાં ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી કારની પાછળ અથડાવી દીધી હતી. જેનાં કારણે મોપેડ ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિ રોડ પર પટકાયા હતા.
તેમજ બંનેને શરીરે ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માત થતાં રાહદારી વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા અને 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સ આવીને બંને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડયા હતા. તે દરમિયાન હીરો અને તેનો મિત્ર ત્યાંજ ઉભા રહ્યા હતા. પણ મોપેડનો રજિસ્ટ્રેશન નંબર લખ્યો ન હતો. જોકે, મોપેડ અથડાતા હીરો ગભરાઈ ગયો હતો અને તેનું બી.પી વધી ગયું હતું. જેથી તે સારવાર માટે ત્યાંથી નીકળી ગયો હતો.
ત્યારબાદ કારને નુકશાન થયું હોવાથી ફરિયાદ કરવા હીરો બલવાળી અડાલજ પોલીસ મથકે ગયો હતો. ત્યારે જઈને માલુમ પડયું હતું કે તેની કાર સાથે અકસ્માત કરનાર મોપેડ ચાલકનું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે પોલીસે ફરિયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500