ગાંધીનગર શહેરના સેક્ટર-30માં આવેલી સરકારી વીર સાવરકરનગર વસાહતના છઠ્ઠા માળના મકાનની ગેલેરીમાંથી રાત્રે યુવાન નીચે પાર્ક કરેલી કાર ઉપર પટકાયો હતો અને ધડાકાભેર અવાજ આવતા આસપાસના વસાહતીઓ બહાર દોડી આવ્યા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સેક્ટર-21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેક્ટર-30માં આવેલી વીર સાવરકરનગર વસાહતમાં રહેતા 35 વર્ષિય પ્રકાશભાઇ હરજીભાઇ મકવાણાના પરિવારમાં માતા-પત્નિ અને એક પુત્રીનો સમાવેશ થાય છે તેમની માતા સરકારી કર્મચારી છે. જોકે રાત્રીનાં સમયે તેમની પત્નિ રસોઇ કરી રહી હતી. તે દરમિયાન પ્રકાશભાઇ બહાર ગેલેરીમાં ઉભા હતા તે સમયે ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો અને તેમની પત્નિ બહાર દોડી આવ્યા હતા.
જેથી નીચે જોતા પ્રકાશભાઇ નીચે પાર્ક થયેલી કાર ઉપર પડયા હતા જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સેકટર-21 પોલીસને જાણ કરવામાં આવતા પહોંચ્યા હતા અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500