ગાંધીનગરનાં જિલ્લાના પેથાપુર ગામનો યુવક સવારે અમદાવાદ સનાથલ સર્કલ પાસેથી તેના શેઠનું બાઈક લઈ નીકળેલા યુવકને બપોરે માણસા પાસેના ધોળાકુવા ગામ નજીક અજાણ્યા વાહનનાં ચાલકે ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો જેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ગાંધીનગર પાસેના પેથાપુર ગામે મોટી શેરી દરબાર વાસમાં રહેતા અને હાલ GEBમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા એવા નિવૃત્ત આર્મી જવાન સુભાષભાઈ જગનાભાઈ અસારીનો નાનો પુત્ર આશિષકુમાર અમદાવાદ સનાથલ સર્કલ પાસે આવેલી હોટલ પર નોકરી કરે છે.
જોકે તે રાબેતા મુજબ હોટલ પર ગયો હતો અને ત્યાંથી તે તેમાં શેઠનું બાઈક નંબર GJ/01/GC/7510 લઈને કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયો હતો જે બાબતની જાણ હોટલના અન્ય કર્મચારીએ તેના શેઠને કહી હતી જેથી શેઠે તેની સાથે ગયેલા અન્ય એક કર્મચારીને ફોન કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ બપોરના અઢી વાગે આશિષ આ બાઈક લઇ માણસા પાસેના ધોળાકુવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો.
તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈકને ટક્કર મારતા આશિષ નીચે રોડ પર પટકાતા તેને જ કપાળના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેને ગાંધીનગર સારવાર માટે ખસેડયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. બનાવની જાણ તેના પરિવારજનોને થતા તેઓ પણ તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મૃતક આશિષના પિતાએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500