વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં વલવાડા મોહન ગામ પાસેથી પોલીસે દમણથી સુરત તરફ આઇસર કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા ૧૧,૪૭,૨૦૦/-નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે કન્ટેનર ચાલકને એક ટ્રીપનાં ૧૦,૦૦૦/- આપવાની લોભામણી લાલચ આપી ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી.
મળતી માહિતી મુજબ, વલસાડ એલ.સી.બી.ની ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કરમબેલી ઓવર બ્રિજ નજીક પહોંચતા બાતમી મળી હતી કે, બંધ બોડીનું આઇસર કન્ટેનરનો ચાલક દમણથી દારૂનો જથ્થો ભરીને નીકળ્યો છે. જે મોહન ગામ ફાટક થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે મોહન ગામ રેલવે ફાટકની પાસે વોચ ગોઠવી બાતમીવાળું આઇસર કન્ટેનર આવતા તેને ઊભું રખાવી ચાલકની પૂછપરછ કરાતા તેણે પોતાનું નામ ધર્મેન્દ્રકુમાર પટમેશ્વરસિંહ ભગવતસિંહ (ઉ.વ.૩૮., રહે.રાજાપુર સરજુ નદીની પાસે ચરસડી, ઉત્તરપ્રદેશ) જણાવ્યું હતું. જે બાદ પોલીસે કન્ટેનરની પાછળના ભાગે ખોલી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂના બોક્સ નંગ ૨૧૭માં બાટલી/ટીન નંગ ૬૩૨૪ જેની કિંમત રૂપિયા ૧૧,૪૭,૨૦૦/-નો જથ્થો મળ્યો હતો તથા અંગઝડતીમાં મળી આવેલા બે મોબાઈલ ફોન જેની કિંમત ૩૫૦૦ અને કન્ટેનર ૧૦ લાખ સાથે ચાલકને મળી કુલ રૂપિયા ૨૧,૫૦,૭૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલો કન્ટેનર આપનાર રામકરણ અને તેના સાગરિતને પોલીસે વોન્ટેડ જાહેર કરી ભિલાડ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500