સોનગઢ તાલુકાના સીલેટવેલ ગામની સીમમાં ઉકાઈ જળાશયના પાણીમાં ગુમ થયેલા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામના ૨૦ વર્ષના યુવકની બાઈક મળ્યા બાદ બીજા દિવસે લાશ મળતા ચકચાર મચી છે. યુવક પાસે રહેલો મોબાઇલ પોલીસને જડયો નથી. ભેદી મોતને પગલે પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું. જોકે શરીરે ઈજા સહિતના કોઈપણ ઘાવ જોવા મળ્યા નથી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામે અઢારગાળા ફળિયામાં રહેતો ખેડૂત પરિવારનો દીકરો તથા ઘરે રહી કોઈ વિષયમાં ઓનલાઈન અભ્યાસ કરતો મિહિર હેમંતભાઈ પટેલ (ઉ.વ.૨૦) ગત તારીખ ૦૩/૦૧૨૦૨૫ નારોજ બપોરે ઘરેથી બારડોલી જાવ છું, કહી પોતાની સ્પોટ બાઈક લઈને નીકળ્યો હતો.
દરમિયાન ઘરેથી ગયાના બે દિવસ બાદ સોનગઢ તાલુકાના સીલેટવેલ ગામની સીમમાં ઉકાઈ જળાશયના ફુગારાના પાણીમાં સ્થાનિક માછીમારોને તેની સ્પોટ બાઈક મળી હતી. જેથી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે સોમવારે તારીખ ૬ નારોજ શોધખોળ દરમિયાન મિહિર પટેલની પહેરેલ કપડે લાશ મળી હતી. જે અંગે મોટાભાઈ વિશાલ હેમંતભાઈ પટેલે ઉકાઈ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ આપી હતી. જેથી ગુનાની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલએ સિલેટવેલ ગામના સ્થાનિક માછીમારોને પૂછતાછ કરતા, તેમણે જણાવ્યું હતું કે, મિહિર પટેલને તારીખ ૩જીના રોજ ઉકાઈ જળાશય નજીક મોબાઈલ પર કોઈ જોડે વાત કરતો જોયો હતો અને તેને અહીં આવવાનું કારણ પૂછતાં મોબાઈલમાં લોકેશન ચાલુ કરી મંદિરે દર્શન કરવા નીકળ્યો હતો.
જોકે ત્યાં કોઈ મંદિર ન હોય, માછીમારોએ સાંજનો સમય હોવાથી સાથે નીકળી આવવા જણાવ્યું હતું. ત્યારબાદ તે જતો રહ્યો હતો. બીજા દિવસે તેઓ માછીમારી કરવા ગયા હતાપરંતુ મિહિર ક્યાંય દેખાયો ન હતો અને તારીખ ૩જીના રોજ જળાશયના પાણીમાં ડૂબેલી મળી આવી હતી. ત્યારબાદ બીજા દિને લાશ પણ મળી હતી. ભેદી રીતે મોત થયું હોય, ઘટના ૨૪ કલાક દરમિયાનમાં જ બની હોવાનું જણાઈ આવતા, પોલીસે ડોક્ટરો પાસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જોકે શરીરે કોઈ જાતના ઈજા વગેરેના નિશાન જોવા મળ્યા નથી. જેથી કોઈ અગમ્ય કારણે આપઘાત કર્યો હોવાનું મનાય રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500