ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી અનરાધાર વરસાદને પગલે ઠેરઠેર નુકશાન પણ સર્જાઈ છે. વરસાદનાં પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી સહિત નાનકડા જળધોધ રોદ્ર સ્વરૂપમાં આવી વહેતા થયા છે. ડાંગમાં વરસાદને પગલે જિલ્લાનાં 32થી વધુ નીચાણવાળા કોઝવેકમ પુલ પાણીમાં ગરક થતા 60થી વધુ ગામ અસરગ્રસ્ત બન્યા છે. વરસાદને પગલે સિઝનમાં પ્રથમ વખત સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થતા પાણી નજીકનાં ગાર્ડનમાં ભરાઈ ગયા હતા.
સુબીર તાલુકાનાં મોખામાળનાં પશુપાલક મુરલિયાભાઈ ગાવિતની ભેંસ ઉપર ઝાડ પડતા તેનુ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કોટબા ગામનાં રુન્જીભાઈ પવાર તથા ગીરીશભાઈ ભોયેનો એક-એક બળદ, ઉપરાંત બોરખલ ગામનાં પાયઘોડી ફળિયાનાં રમેશભાઈ રાઉતનો એક વાછરડુ પણ પૂરમાં તણાઈ જવાના બનાવ બન્યા હતા. સુબીરનાં કાકશાળા ગ્રામ પંચાયતનાં નિશાણા ગામનાં માહદુભાઈ સામેરા ગત તા.11મી જુલાઈએ નાળાનાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો.
તેમજ મોરઝીરા, ઢોંગીઆંબા, દેવીનામાળ, લવચાલી અને મોખામાળ જેવા વિસ્તારમાં વીજપોલ અને વીજ લાઈન ઉપર વૃક્ષો ધરાશાયી થવાથી થોડા કલાકો માટે વીજ પ્રવાહ ખોરવાયો હતો. ગતરોજ મોડી સાંજે ભારે વરસાદનાં પગલે ડાંગની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ મહાલનાં કેમ્પસમાં પાણી ભરાઈ ગયા હતા. ડાંગ વહીવટી તંત્રની ટીમે વધુ પાણી ભરાય તે પહેલા જ તમામ બાળકોને સુરક્ષિત આવાસોમાં ખસેડી લીધા હતા.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સુબીરમાં 143 મિમી (5.72 ઈંચ), વઘઇમાં 188 મિમી (7.52 ઈંચ), સાપુતારામાં 215 મિમી (8.6 ઈંચ), જ્યારે સૌથી વધુ આહવામાં 249 મિમી (9.96 ઈંચ) વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં 32 જેટલા માર્ગો અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.
જેમાં સતિ-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, ટાકલીપાડા-લહાન દભાસ-મોટી દભાસ રોડ, ચીકટિયા-ગાઢવી રોડ, બારીપાડા-રાનપાડા-ભાપખલ રોડ, કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, પીપલદહાડ-જોગથવા, બંધપાડા વી.એ. રોડ, સિંગાણા-ધુલદા રોડ, ઢાઢરા વી.એ.રોડ, આંબાપાડા વી.એ.રોડ, ખાતળ ફાટકથી ઘોડી રોડ, કુડકસ-કોશિમપપાતળ રોડ, દોડીપાડા-ચિકાર ફળિયા રોડ, દગડીઆંબા-બરડા રોડ, સુસરદા વી.એ.રોડ, ચીખલદા વી.એ.રોડ, આહેરડી-બોરદહાડ રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રોડ, માછળી-ચીખલા-દિવડયાવન રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, ખાતળ-માછળી રોડ, કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, પાતળી-ગોદડીયા રોડ, દગડપાડા-પીપલસોંઢા રોડ, ચિકાર-ધોધલપાડા-કોસમાળ રોડ, ગોદડીયા-પાંઢરમાળ રોડ, બાજ વી.એ.રોડ, વઘઈ-ડુંગરડા-ભેંસકાતરી રોડ, અને ભેંસકાતરી-કાકરદા-ભોન્ગડીયા-એન્જીંનપાડા રોડ બંધ થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500