ડાંગનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં માલેગામ ઘાટ માર્ગમાં આઈસર ટેમ્પોએ બાઈક સવારોને અડફેટે લેતા ઘટના સ્થળે બાઈક પર સવાર 10 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે ટેમ્પો અને બાઈક ચાલક ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રનાં નાસિક તરફથી સિમેન્ટનાં પતરાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર જીજે/04/એડબલ્યુ/0240 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં સામેથી ગલકુંડ પાયરપાડાથી માલેગામ થઈ સાપુતારા જઈ રહેલ બાઈક નંબર જીજે/30/સી/0939ને પૂરઝડપે આવી અડફેટે લઈ પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં બાઈક પર મામા જોડે સવાર ભાણેજ યોગીતાબેન માર્કસભાઈ બાગુલ (ઉ.વ.10, રહે.ચીચપાડા (ગલકુંડ),આહવા) નાનું ગંભીર ઈજાનાં પગલે સ્થળ પર મોત નીપજ્યું હતું તેમજ બાઈક ચાલક વિશાલભાઈ રાજુભાઈ ગાવિત (રહે.પાયરપાડા,તા.આહવા) તથા ટેમ્પો ચાલક દિનેશભાઇ નારાયણ પરમાર (રહે.આણંદ) નાને ગંભીર ઇજા પહોંચતા તેઓને 108ની મદદથી પહેલા શામગહાન સીએચસીમાં ખસેડાયા હતા.
જ્યાં બનેની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે ટેમ્પો સહિત સિમેન્ટનાં પતરાનો જથ્થો તેમજ બાઈકને જંગી નુકસાન થયું હતું. બનાવ અંગે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500