Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બ મુકાયો છે તેવા ધમકી ભર્યા ઈ-મેઈલને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

  • October 20, 2024 

છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં જ 10 જેટલી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલમાં મળી હતી. ત્યારે હવે 'જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બ મુકાયો છે', તેવા ધમકી ભર્યા ઈ-મેઈલને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ફ્લાઇટ એક તબક્કે રન-વે પર ચાલુ થઈ ગઈ હતી, જેને અચાનક રોકી દેવામાં આવી હતી અને તેમાં બેઠેલા તમામ 31 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની સમગ્ર ટીમે ફ્લાઈટનો કબજો સંભાળીને સમગ્ર ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બે કલાકની આથાગ મહેનત બાદ આખરે પ્લેનમાંથી કશું વાંધાજનક મળ્યું ન હોવાથી હાશકારો અનુભવાયો હતો.


જોકે, પ્લેનને હાલ રન વે પર જ રખાયું છે. જ્યારે મુસાફરોને જામનગરના એરપોર્ટ પર સહી સલામત રીતે રાખવામાં આવ્યા છે. આ બોમ્બના મેસેજ મળતા જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ પોલીસ એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી હતી. બપોરે ત્રણેક વાગ્યાના સમયમાં એલસીબી, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની ટિમ, સિટી સી-ડિવિઝનનો પોલીસ સ્ટાફ વગેરે એરપોર્ટ પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જામનગર એરફોર્સની પણ તેમાં મદદ લેવામાં આવી હતી. જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની ટીમમાં પીએસઆઇ આર.સી. દેસાઈ, એ.એસ.આઇ. ડી.યુ અગ્રાવત, એ.એસ.આઇ. એલ.એમ લૈયા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ દાણીધારીયા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા તેમજ ડોગ હેન્ગલર દશરથસિંહ જાડેજા તેમજ જામનગરના પોલીસ દળના એક્સપ્લોઝિવ ડોગ યાનકીની મદદ લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application