ભરૂચ એલ.સી.બી.ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીનાં આધારે ચોરીની મોપેડ લઈને ફરતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. આમ, પોલીસે મોપેડ જેની કિંમત રૂપિયા 30 હજાર અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લા એસ.પી.એ જિલ્લામાં મિલ્કત અને વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપી હતી. જેના આધારે જિલ્લામાંથી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી, વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલ.સી.બી.ની ફીલ્ડ તથા ટેક્નિકલ સેલની ટીમો બનાવી હતી.
આ ટીમના પી.એસ.આઈ. તેમના સ્ટાફ સાથે જવાનો અંકલેશ્વર-બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, માંડવા ગામમાં કેબલ બ્રીજ નીચે રહેતો સુનિલ અશોકભાઇ વસાવા ગ્રે-કલરનું નંબર પ્લેટ વગરનું એક્ટીવા ફેરવે છે. જે એક્ટીવા શંકાસ્પદ છે અને જે હાલમાં કેબલ બ્રીજ નીચે એક્ટીવા સાથે હાજર છે. પોલીસ ટીમને મળેલી માહિતીના આધારે ટીમ દ્વારા માંડવા કેબલ બ્રીજ નીચેથી એક્ટીવા ચોરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો હતો.
જોકે પકડાયેલા મોપેડ ચોર ઇસમની પૂછતાછ કરતાં તે ભાગી પડેલો અને આશરે ત્રણેક મહિના પહેલા નેશનલ હાઇવે નંબર 48 ઉપર માંડવા કેબલ બ્રીજ નજીક રોડની બાજુમાંથી એક્ટીવા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. બનાવ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની એક્ટીવા ચોરીનો ગુનો શોધી કાઢ્યો હતો. જયારે પકડાયેલ આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીઝરની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલો છે અને તેની પાસેથી એક મોપેડ જેની કિંમત રૂપિયા 30 હજાર અને 1 મોબાઈલ મળી કુલ રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500