વડોદરા શહેરમાં જન્માષ્ટમી તેમજ આજે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત 12 ઈંચ વરસાદ ખાબકતાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે, જેના કારણે નદીના પટની આજુબાજુ આવેલી ખાનગી હોસ્પિટલો તેમજ રેસિડેન્શિયલ એરિયામાં પાણી ફરી વળતાં કેટલીક હોસ્પિટલોમાંથી દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવાની ફરજ પડી છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય શહેરના 50 જેટલા ફીડરોના અઢી લાખ જોડાણો પ્રભાવિત થતાં લાખો લોકો અંધારપટમાં જીવી રહ્યા છે. સમા-સાવલી રોડ પર સિદ્ધાર્થ નગરમાં ફરી એકવાર વરસાદી અને પૂરના પાણીએ તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. લગભગ તમામ મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગઈકાલે રાતથી સોસાયટીના રહીશોને પરિવાર સાથે પહેલા માળે રહેવું પડી રહ્યું છે. સોસાયટીના રહીશોનું કહેવું છે કે અગાઉ આના કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો છતાં આટલા પાણી ભરાયા ન હતા.
આ વખતે એટલો બધો વરસાદ નથી પડ્યો તેમ છતાં પાણીનું લેવલ વધી ગયું છે. સયાજી હોસ્પિટલમાં પૂરના પાણી ફરી વળ્યાં હતાં તો રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહના ગ્રાઉન્ડ ફલોર પરથી મહિલા દર્દીઓને પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. વડોદરામાં સોમવારે પડેલા બાર ઈંચ વરસાદની સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વડોદરાને બેવડો માર પડ્યો છે. વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટે પહોંચ્યા બાદ વડોદરાના સમા સાવલી રોડ, ફતેગંજ, કારેલીબાગ, તુલસીવાડી, હાથીખાના, અકોટા, જૂના પાદરા રોડ, વડસર જેવા સંખ્યાબંધ વિસ્તારોની સોસાયટીઓમાં નદીનાં પાણી ફરી વળવાના કારણે હજારો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક અંદાજ પ્રમાણે અત્યારે વડોદરાનો 40 ટકા વિસ્તાર વિશ્વામિત્રીના પૂરના પાણીમાં ગરકાવ છે અને લાખો રહેવાસીઓની સ્થિતિ કફોડી બની છે.
બીજી તરફ નિચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ માટે એક બીજી મુસીબત એ પણ છે કે, ગઈકાલે સોમવારે પડેલા બાર ઈંચ વરસાદના કારણે ભરાયેલા વરસાદના પાણી પણ સોસાયટીઓમાંથી ઓસર્યા નથી. ગટરો ચોક અપ થઈ ગઈ હોવાથી જે વિસ્તારો વિશ્વામિત્રીના પૂરથી અસરગ્રસ્ત નથી તેવા વિસ્તારોની સોસાયટીઓમાં પણ પાણી તો ભરાયેલા જ રહ્યા છે. જેના કારણે આવા લોકો પણ અગવડ ભોગવી રહ્યા છે. સૂત્રો અનુસાર આજવા ડેમની સપાટી મંગળવારે બપોરે પણ 214 ફૂટે યથાવત છે. આજવા ડેમનું પાણી વિશ્વામિત્રીમાં છોડવાનું ચાલું છે. જેના કારણે ઓછામાં ઓછા એક દિવસ સુધી તો વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ હળવી થવાની કોઈ શક્યત દેખાતી નથી.
ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેરના 50 જેટલા ફીડરોના અઢી લાખ જોડાણો પ્રભાવિત થયા છે. જેના કારણે હજારો સોસાયટીઓમાં ગઈકાલથી જ લાઈટો નથી. પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા બાદ લાઈટોના અભાવે લોકો માટે પરિસ્થિતિ વધારે કપરી બની ચૂકી છે. ઉપરાંત વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પૂરવઠો બંધ કરી દેવાયો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, 50 જેટલા ફીડરો પરનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેમાંથી 11 ફીડરો હજી પણ બંધ છે. આ ઉપરાંત વિશ્વામિત્રીના પૂરના પાણી શહેરમાં પ્રવેશ્યા હોવાથી 270 જેટલા ટ્રાન્સફોર્મરો પણ પાણીમાં છે અને આ ટ્રાન્સફોર્મરોના જોડાણો પરના કનેક્શન પણ બંધ છે. વીજ કંપનીને બે દિવસમાં લાઈટો જવાની હજારો ફરિયાદો મળી છે. જો કે પૂરના કારણે એવી સ્થિતિ છે કે, વીજ કંપનીનુ તંત્ર પણ તમામ જગ્યાએ પહોંચી વળે તેવી હાલતમાં નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500