અમદાવાદનાં વિરમગામ તાલુકાનાં મેલજ ગામે બે વર્ષ પહેલાં પ્રેમસંબંધ બાબતે થયેલા મન દુઃખનું વેર રાખી એક જ સમાજનાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 45 વર્ષીય શખ્સનું મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ જણાને ઈજાઓ થઈ હતી. જયારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વિરમગામ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, પોલીસ ફરિયાદ આપનાર ભૂરીબેન ઈશ્વરભાઈ દંતાણી (રહે.મેલજ)ના જણાવ્યા મુજબ, આરોપી અનિલ દંતાણી તેમના ઘર આગળ જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા. તે બાબતે તેમના પતિ ઈશ્વરભાઈ ઠપકો આપવા ગયા હતા અને ગાળો બોલવાની ના પાડી હતી. આથી અનિલ દંતાણી અને લોકાએે ઉશ્કેરાઈને ધાબામાં પડેલાં લાકડી, ધોકા તેમજ ધારિયા વડે હુમલો કર્યો હતો.
જેમાં ઈશ્વરભાઈને ધાબા પરથી પગથિયાં પર પાડી દીધા હતા. તેમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં બેભાન અવસ્થામાં કલ્યાણપુરા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ ઈશ્વરભાઈનાં મૃતદેહને પીએમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જોકે બે વર્ષ પહેલાં ભૂરીબેનનાં ફઈજીની દીકરી ગીતાબેનના દીકરા અમરભાઈને આરોપી કાનજીભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. તે બાબતે બંને કુટુંબો વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હોવાનું જાણવા મળ્યું છે.
જેનું વેર રાખીને આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે. બનાવ અંગે ભૂરીબેન ઈશ્વરભાઈ દંતાણીએ અનિલ કરમણ દંતાણી, પિન્ટુ કાનજી દંતાણી, મુકેશ કાનજી દંતાણી, કિસ્મત કાનજી દંતાણી અને કાનજી જગમાલ દંતાણી (તમામ રહે.મેલજ, તા.વિરમગામ) સામે વિરમગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને વિરમગામ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500