અમદાવાદનાં સરખેજમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક યુવકે ગત માર્ચ મહિનામાં આપઘાત કર્યો હતો. વેજલપુરમાં રહેતા અને ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા અક્ષય ચૌધરી નામના યુવકે લગ્નના 3 મહિનામાં જ સાસરી પક્ષના લોકોના અસહ્ય ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. તેણે આપઘાત કરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે પોતાની પત્ની પ્રિયંકા, સસરા પ્રવિણ શિકારી, સાસુ ભારતી શિકારી અને અન્ય સાસરિયા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી રજૂ કરી હતી. આપઘાતના ત્રણ માસ પહેલા જ યુવક અક્ષયના લગ્ન પ્રિંયકા સાથે થયા હતા. લગ્ન બાદ પત્ની અને સાસરિયાના દબાણ અને માનસિક ત્રાસથી કંટાળીને અક્ષય ચૌધરીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું.
મળતી માહિતી મુજબ, સરખેજ પોલીસે આપઘાત કેસમાં પ્રવિણ શિકારી, અમિત ચુનારા, ધર્મેન્દ્રભાઈ દાંતણીયા, ગિરીશ સીસોદીયા, મહિલા આરોપી જ્યોતિકા દાંતણીયા, શિલ્પાબેન દાંતણીયા, ધર્મિષ્ઠાબેન દાંતણીયા, ભારતીબેન શિકારીની ધરપકડ કરી છે. જ્યારે મૃતક અક્ષયની પત્ની ગર્ભવતી હોવાથી તેને હાઇકોર્ટે વચગાળા જામીન આપ્યા છે. બે આરોપી અનિલ દાંતણીયા અને નવનીત દાંતણીયા ફરાર છે. આ મામલે સરખેજ પોલીસે જણાવ્યું કે, આપઘાત કરનાર મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો અને વેજલપુરમાં રહેતો હતો. જોકે ગત તારીખ 4 ડિસેમ્બર 2022ના રોજ અક્ષય ચૌધરીના લગ્ન પ્રિંયકા સાથે થયા હતા. લગ્ન બાદ અક્ષય 25 દિવસ માટે પત્ની સાથે ફરવા ગયો હતો અને ત્યારબાદ પત્ની પ્રિયંકા સાસરે આવી હતી.
સાસરે આવ્યા બાદ પ્રિંયકાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને અક્ષયને ઘર જમાઈ બનાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. પ્રિયંકા અવાર-નવાર અક્ષયના માતા-પિતા અને બહેનની ફરિયાદ કરતી હતી. અક્ષય તેને ખુશ રાખવા માટે ઘર જમાઈની જેમ સાસરે પણ રહેવા જતો રહ્યો હતો. પરતું લગ્નના 3 માસમાં પ્રિંયકાએ અક્ષયને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પ્રિંયકા ગર્ભવતી હોવાથી તેણે પોતાના સંતાનનો ચેહરો અક્ષયને નહીં જોવા દેવાની પણ ધમકી આપી હતી. જે મામલે સરખેજ પોલીસે અક્ષયના પરિવારના વોટ્સએપ ગ્રુપમાં અંતિમ ચિઠ્ઠી અને વીડિયોના આધારે પત્ની પ્રિયંકા સહિત 12 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. મૃતક અક્ષયના આપઘાત કેસમાં પોલીસે 3 માસ બાદ 9 આરોપીને ઝડપી લીધા છે. જ્યારે પત્નીને જામીનની રાહત મળી છે. આ પકડાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. સાથે ફરાર બે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500