રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે ત્યારે ગત 24 કલાકમાં રાજ્યના અલગ અલગ કુલ 122 તાલુકામાં મેઘરાજાની સવારીનું આગમન થયું છે. જેમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના વીસાદરમાં નોંધાયો છે. આજે જુનાગઢમાં 109 મીમી જ્યારે કચ્છમાં 97 મીમી વરસાદ હવામાન વિભાગના ચોપડે નોંધાયો છે. જ્યારે બનાસકાંઠા 64 મીમી, પાટણ 60 મીમી, નવસારી 44 મીમી, ભરૂચ 43 મીમી, વડોદરા 48 મીમી, જામનગર 55 મીમી, દેવભૂમિ દ્વારકા 35 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી, સુરેંદ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં સૌથી ઓછો એટલે કે 10 મી.મી.થી ઓછો વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 26 જૂનથી 30 જૂન સુધી એટલે કે 5 દિવસ માટે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદમાં તારીખ 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500