Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિક્ષક બનવાનું સપનુ છોડી કપરાડાના આદિવાસી યુવકે શરૂ કર્યો રેડિમેડ ગારમેન્ટનો બિઝનેસ

  • August 09, 2024 

‘હર હાથ કો કામ, હર કામ કા સમ્માન’’ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આ ધ્યેયમંત્રને સાકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના છેવાડાના લોકો અને વંચિતોનું કલ્યાણ થાય તે માટે અનેક નવા નવા વિઝનો સાથે સતત કાર્યરત છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં દરેક યુવા ઉમેદવારને સરકારી નોકરી મળે જ એ શક્ય નથી પરંતુ દરેક યુવા ઉમેદવાર પોતાની સ્કીલ ડેવલપ કરી પોતાનો બિઝનેસ શરૂ કરે અથવા તો ઉદ્યોગસાહસિક બની પોતે રોજગારી મેળવી સાથે અન્ય લોકોને પણ રોજગારી આપે તે દિશામાં રાજ્ય સરકાર ભગીરથ પ્રયાસ કરી રહી છે. યુવાધન સ્વરોજગારી મેળવે તે માટે સરકાર મજબૂત આર્થિક મદદ પણ કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકાના આદિવાસી યુવકની વાત કરવાની છે કે, તેનુ સપનું પણ અન્ય યુવાઓની જેમ સરકારી નોકરી મેળવવાનું હતું.


પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી સપનુ સાકાર ન થયુ પરંતુ સરકારની વ્યક્તિગત ધિરાણ સ્વરોજગારી યોજનાનો લાભ મેળવી આજે આર્થિક રીતે સક્ષમ બની અન્ય યુવાઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. રાજ્યના છેવાડાના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબાજંગલ ગામમાં રહેતા ૩૬ વર્ષીય આનંદાભાઈ ગંગારામભાઈ ભોયા જણાવે છે કે, મારૂ સપનુ શિક્ષક બની આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત ઝળહળતી રહે તે માટે પોતાનું યોગદાન આપવાનું હતું. જે માટે પીટીસી કરવા પ્રયાસ કર્યા હતા પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી વર્ષે રૂ.૪૦ હજાર ફી ભરી શકાય તેમ ન હતી. જેથી બી.એ.માં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી પરિવારને મદદરૂપ થવા પિતાની કરિયાણાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. પરંતુ ગામમાં કરિયાણાની અન્ય દુકાનો પણ હોવાથી ધાર્યા મુજબ આવક થતી ન હતી.


જેથી રેડિમેડ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી, પરંતુ બે પૈસાની કમાણી થતી ન હતી જેથી બે વર્ષનો સમય ખૂબ જ સંઘર્ષમય પસાર થયો હતો. આ સમયે મારા દાબખલ ગામમાં રહેતા મારા મિત્ર મહાદુભાઈએ મને અનુસૂચિત જનજાતિ સમાજના લોકો માટે રાજ્ય સરકારે શરૂ કરેલી સ્વરોજગારી યોજના વિશે વાત કરી હતી, તેમણે પણ આ યોજનાનો લાભ લઈ કટલરીની દુકાન ચાલુ કરી હતી. જેથી આ બાબતે સમજણ આપતા વલસાડ પ્રાયોજના વહીવટદારની કચેરીમાં કાર્યરત આદિજાતિ નિગમમાં જઈ તપાસ કરતા અધિકારીઓ અને કર્મચારીઓએ યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું. અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ રૂ.૪ લાખની લોન મંજૂર થઈ ગઈ હતી. ખાનગી કે સરકારી બેંકમાં ૧૦ થી ૧૨ ટકા વ્યાજ ભરવાનું હોય છે.


પરંતુ આ લોનમાં માત્ર ૪ ટકા જ વ્યાજ ભરવાનું હતું અને હપ્તા પણ ત્રિમાસિક હતા. જેથી દર મહિને હપ્તાનું ટેન્શન પણ ન હતું. ૨૦ હપ્તામાં આ લોન પૂર્ણ કરવાની હોય છે. માત્ર બે જ મહિનામાં રૂ.૨ લાખનો પ્રથમ હપ્તો અને રૂ.૨ લાખનો બીજો હપ્તો સીધો મારા બેંક ખાતામાં જમા થતા દુકાનમાં નાના બાળકોથી માંડીને પુરૂષ અને મહિલાઓના કપડાનો સ્ટોક ભરી દીધો હતો. પહેલા પૈસાના અભાવે દુકાનમાં પૂરતો સ્ટોક ન હોવાથી આવક થતી ન હતી પરંતુ સરકારી યોજનાનો લાભ મળતા માલ ભરાવી દેતા હવે મહિને ૧૫ હજાર અને સિઝનમાં મહિને રૂ. ૨૦ હજારથી ૨૫ હજારની આવક મેળવી રહ્યો છું.


હુ રેડિમેડ ગારમેન્ટમાં ધંધામાં સેટ થયા બાદ મારા ભાઈ હરેશ ભોયાને પણ દુકાનમાં સામેલ કરી આ દુકાન દ્વારા બંને ભાઈઓના પરિવારનું ગુજરાન સુખરૂપે પસાર થઈ રહ્યુ છે. હવે આગળના સમયમાં મોટા પાયે દુકાન શરૂ કરી સિઝનેબલ બિઝનેસ વધારવાનું પણ પ્લાનિંગ કરી રહ્યો છું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યની આપણી લોકાભિમુખ સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના સ્વરૂપે લોકો સુધી પહોંચી મારા જેવા અનેક યુવા ઉમેદવારોનું કલ્યાણ કરી રહી છે. મને મળેલી આર્થિક મદદ બદલ અનુસૂચિત જનજાતિ લોકોની સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે કાર્યરત રાજ્ય સરકારનો આભાર માનુ છું.

અનુસૂચિત જનજાતિના લોકોને સ્વરોજગારી માટે મળતી લોન પર એક નજર

- આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૧ લાખ થી ૫ લાખ સુધીની લોન વાર્ષિક ૪ ટકાના વ્યાજ દરે મળવા પાત્ર છે.

- લાભાર્થીની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.

- લાભાર્થીની વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦થી વધુ ન હોવી જોઈએ અને સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવો

- લાભાર્થી આદિજાતિનો હોવા અંગે સક્ષમ અધિકારીના દાખલાની નકલ રજૂ કરવી

- લાભાર્થીની જમીન/મકાન બોજામુક્ત હોવા અંગે સહિ સિક્કા વાળી નકલો રજૂ કરવા સહિતના અન્ય ડોક્યુમેન્ટો રજૂ કરવાના રહેશે. - adijatinigam.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application