Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના સામાન્ય પરિવારની દીકરીનું રાજય સરકારની ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન સહાયથી તબીબ બનવાનું સ્વપ્ન થઈ રહ્યું છે સાકાર

  • July 17, 2024 

પરિવારીક હૂંફ, યોગ્ય સમયે માર્ગદર્શન અને તેમાંય રાજય સરકારની યોજનાકીય સહાય મળે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીનો અભ્યાસ દીપી ઉઠે છે. વાત કરીએ સુરતની એવી જ એક અનુસૂચિત જાતિની તેજસ્વી વિદ્યાર્થીની કે જેમણે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાયથી રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ ડગ્યા વિના યુક્રેનમાં તબીબી ક્ષેત્રનો ત્રણ વર્ષનો ઉચ્ચ અભ્યાસ પુર્ણ કર્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા મધ્યમવર્ગીય પરિવારના મોભી મુકેશભાઈ ચૌહાણે કહ્યું કે, મારી દીકરી કિંજલને નાનપણથી ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું.


જયારે કિંજલે ધો.૧૨નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ વિદેશમાં તબીબીક્ષેત્રના અભ્યાસ માટેની ઈચ્છા વ્યકત કરી. જેથી અમોએ કારકિર્દીના તજજ્ઞો પાસેથી જાણ્યું કે, વિદેશમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસનો અંદાજીત ૩૦ લાખનો ખર્ચ થશે. મે ઘર વેચીને પણ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકવાનો વિચાર કર્યો હતો. મધ્યમવર્ગીય પરિવાર હોવાથી આટલો ખર્ચ પરવડે તેમ ન હોવાથી મિત્ર પાસેથી વિગતો મળી કે, ડો.બાબાસાહેબ આંબેડકર લોન સહાય મળે છે. જેથી અમોએ સુરતની અનુસૂચિત જાતિની કચેરીનો સંપર્ક કરીને યોજના વિશે તમામ જાણકારી મેળવી. કિંજલની માતા રિનાબેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે આઈટીઆઈનો અભ્યાસ કરનાર પિતા મુકેશભાઈ સુરતની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.


કિંજલ ચૌહાણે કહ્યું કે, વિદેશ અભ્યાસ માટેની તમામ વિગતો જાણ્યા બાદ ૨૦૨૧માં યુક્રેનની વિનિત્સા નેશનલ પિરોગોવ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના અભ્યાસમાં એડમિશન લીધું. તત્કાલ જરૂરી પુરાવા સાથેની અરજી કરતા અમોને માત્ર ૪ ટકાના વ્યાજદરથી રૂ.૧૫ લાખની લોન મળી. તેણીએ વધુમાં કહ્યું કે, હાલમાં મે યુક્રેનમાં ત્રણ વર્ષનો MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. પણ રશિયા અને યુક્રેનના યુદ્ધના પરિણામે ચોથા વર્ષ માટે ઉઝબેકિસ્તાનમાં MBBS અભ્યાસનું એકડમિશન લીધું છે. ઓગષ્ટ-૨૦૨૪માં જઈને બાકીનો અભ્યાસ પુર્ણ કરીશ. રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા કહ્યું કે, અમારા સપનાઓને પાંખો આપવાનું કાર્ય રાજય સરકારે કર્યું છે.


આ યોજનાથકી આજે હું તબીબનો અભ્યાસ કરી રહી છું. જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. નોંધનીય છે કે, સુરતની અનુસૂચિત જાતિની કચેરીના નાયબ નિયામકશ્રીમતી એમ.વી.પટેલે જણાવ્યું કે, વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ડો. બાબાસાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં સુરત જિલ્લામાં ૬૦ વિદ્યાર્થીઓને રૂ.૧૫ લાખ લેખે રૂ.૯ કરોડની લોન આપવામાં આવી છે. રાજ્ય સરકારની સહાયથી હજારો વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News