મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકામાં એક ગામમાંથી પસાર થતો વ્યારાથી પાંચપીપળા તરફ જતા રોડ ઉપર વાઝરડા ગામની સીમમાં સાંજના સમયે એક ટ્રેકટર ચાલકે પોતાના કબ્જાનું ટ્રેકટર કોઈ રેડીયમ કે રીફ્લેકટર લગાડ્યા વગર કલ્ટી ઉપર ઘાસ ચારો બાંધેલ હાલતમાં રોડ ઉપર ઉભું રાખી કોઈ પણ પ્રકારની આડાશ મુક્યા વગર રોડ ઉપર બેદરકારી રીતે ઉભું રાખ્યું હતું જેથી બાઈક ચાલકે ટ્રેકટરની પાછળ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બાઈક સવાર દંપતિ ઈજાગ્રસ્ત થતાં પતિનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું જયારે પત્ની ઈજાગ્રસ્ત થતા હતા.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં વેલઝર ગામનાં નિશાળ ફળિયામાં રહેતા કેસાભાઈ વિર્યાભાઈ ગામીત (ઉ.વ.૬૪) નાઓ તારીખ ૨૯/૦૮/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૧૬/એલ/૫૭૯૦ પર તેમની પત્ની મણીબેન કેસાભાઈ ગામીત (ઉ.વ.૬૨)ની સાથે વાઝરડાથી બજાર કરી પરત આવી રહ્યા હતા. તે સમયે વ્યારાથી પાંચપીપળા તરફ જતા રોડ ઉપર વાઝરડા ગામની સીમમાં વિદુબેન ચૌધરીની દુકાનની સામે રોડ ઉપર ટ્રેકટર નંબર જીજે/૨૬/એબી/૭૯૧૩ની પાછળ અથડાઈ જઈ અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક કેસાભાઈને માથાનાં ભાગે તથા છાતીના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું, જયારે બાઈક પાછળ બેસેલ તેમના પત્ની મણીબેન કપાળનાં ભાગે અને ડાબી સાઈડે તથા શરીરે નાની-મોતી ઈજા પહોંચી હતી. બનાવ અંગે મૃતકની દીકરી મંજુલાબેન મહેન્દ્રભાઈ ગામીત (રહે.ધંજાબા ગામ, પારસી ફળિયું, સોનગઢ)નાએ ટ્રેકટર ચાલક સામે સોનગઢ પોલીસ મથકે તારીખ ૩૦/૦૮/૨૦૨૪નાં રોજ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500