ભરૂચનાં મનુબર ગામે સગા કાકા-ભત્રીજાના પરિવાર વચ્ચે જાદુટોણાં કરવા મંતરેલા દાણા નાંખ્યા હોવાની શંકાએ ધિંગાણું સર્જાયું હતું. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં જયપ્રકાશ જયંતી રાઠોડ બેંકમાં પટાવાળાની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં સુતા હતાં.
તે સમયે કોઈ અપશબ્દો બોલતા હોય તેવો અવાજ આવતાં તેઓ તેમની માતા અને પત્ની સાથે બહાર આવી જોતાં તેમના ઘરની બાજુમાં જ રહેતાં સગા કાકા ખોડા રાઠોડ અને તેમના બે પુત્ર અલ્પેશ અને સહદેવ અપશબ્દો ઉચ્ચારતાં હોઈ તેમની માતએ તેમને કોને અપશબ્દો બોલો છો તેમ કહેતાં તેઓએ તેમને અપશબ્દો ઉચ્ચારી તારા છોકરાને સમજાવી દે જે, જાદુ ટોણાના દાણા બનાવડાવી અમારા ઘરમાં નાંખે છે. મામલો ગરમાતાં ત્રણેયે મળી તેમના પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
બનાવમાં ખોડા રાયસંગ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે પોણા એક વાગ્યે તેઓ તેમના ઘરની પાછળ વાડામાં લઘુશંકાએ ગયાં હતાં તે સમયે તેમનો ભત્રીજા પ્રકાશ જયંતી રાઠોડ તેમના ઘરમાં ડોકિયા કરતો હતો. તે તેમને જોઈને ઘરમા જતો રહ્યો હતો. જેથી તેમણે તેમના પુત્ર અલ્પેશ સાથે તેના ઘર પાસે જઈ પ્રકાશ રાઠોડને બોલાવી તું અમારા ઘરમાં કેમ ડોકિયા કરતો હતો તેમ પુછતાં તેણે ઉશ્કેરાઈ જઈ તેમને માર મારતાં ઈજાઓ થઈ હતી. બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે ૪ જણા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500