વાપીની જીઆરડી મહિલા કર્મીને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ મહિલાએ વાતો કરવાનું બંધ કરતા વીડિયો વાયરલ કરવાની ધમકી અપાઈ હતી. આખરે કંટાળેલી મહિલાએ પીસીઆર વાનના ડ્રાઈવર સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપી વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ) તરીકે નોકરી કરતી મહિલાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિષ્ણુ વામાનન પાનીકર (રહે.ગોપી એપાર્ટમેન્ટ, રૂમ નં.208, ડમરૂવાડી ઉમરગામ) સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેણીએ જણાવ્યું હતુ કે, ગત વર્ષે પોલીસ બંદોબસ્ત માટે વાપી ટાઉન પોલીસ મથકના વિસ્તારમાં દરેક પોઈન્ટ પર વિષ્ણુ પાનીકર ચેકિંગ માટે આવતો હતો. આ સમયે કામ માટે તેણે મારો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને પછીથી તે વોટ્સએપ પર મેસેજ કરી મૈત્રી કરવા જણાવતો હતો. દરમિયાન બંને વચ્ચે મિત્રતા થતા બંને જણા અલગ-અલગ જગ્યા ગયા હતા. આ સમયે પોલીસ કોન્સ્ટેબલ દુષ્કર્મ આચરતો હતો. આ ઘટનામાં ભોગ બનનાર મહિલાને આરોપીએ જણાવ્યુ હતું કે, 'પતિને ડીવોર્સ આપ તો પત્ની તરીકે રાખીશ'.
વધુમાં એક વાર તેણી વતનથી આવતા વિષ્ણુ વાપી સ્ટેશનથી તેણીને વાહનમાં બેસાડીને પુત્ર સાથે ખડકી ક્રિષ્ણા હોટલ લઇ ગયો હતો. જયાં તેણે શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલા સુઈ જતા તેનો નગ્ન હાલતમાં વીડિયો બનાવ્યો હતો. કેટલાક સમય પછી આ સંબંધો વિશે મહિલાના પતિને જાણ થઈ જતાં તેણે મહિલાને ઘરથી કાઢી મુકી હતી. જે બાદ લાચાર મહિલાએ 181 અભયમની ટીમની મદદ લેતા પતિને વલસાડ બોલાવી સમજણ આપવામાં આવી હતી. જો કે, આમ છતાં પતિએ મહિલાને રાખવા ઈન્કાર કરી દીધો હતો. બીજી બાજુ વિષ્ણુ પાનીકર પણ તે મહિલાને રાખવા માંગતો ન હતો. તેથી તેણે મહિલાને તેણીના નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આખરે કંટાળેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500