૧૭ વર્ષના યુવાનો પણ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અગાઉથી અરજી કરી શકે પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. તેના માટે હવે વર્ષની ૧લી જાન્યુઆરીએ જ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરેલી હોવાની જરૂરિયાત રહેશે નહીં. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર શ્રી અનુપ ચંદ્ર પાંડેની આગેવાની હેઠળ ભારતના ચૂંટણી પંચે ૧લી જાન્યુઆરીની સાથે સાથે ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓક્ટોબરની લાયકાતની તારીખોના સંદર્ભમાં યુવાનો અગાઉથી જ મતદાર તરીકે નોંધણી કરાવી શકે તે માટે તમામ રાજ્યોના CEO, EROS અને AEROSને ટૅક-અનેબલ્ડ સોલ્યુશન્સ તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યો છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ની કલમ ૧૪(બી) અને મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં કરવામાં આવેલા કાયદાકીય સુધારાના પરિણામે થયેલા ફેરફારોને અનુસરીને વિધાનસભા અને સંસદીય મતવિસ્તારની ચૂંટણીઓ માટેની મતદારયાદીની તૈયારી અને સુધારા માટે જરૂરી ફેરફારો લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. નોંધનીય છે કે, ECI ની ભલામણો પર કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં લોકપ્રતિનિધિત્વ ધારામાં સુધારો કર્યો હતો. જેમાં ૧લી જાન્યુઆરીની સાથે સાથે ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓક્ટોબર એમ કુલ ચાર લાયકાતની તારીખોને યુવાનો માટે મતદાર યાદીમાં નોંધણી કરાવવાની પાત્રતા તરીકે માન્યતા આપવામાં આવી છે.
પ્રવર્તમાન નીતિ મુજબ, સામાન્ય રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (સામાન્ય રીતે વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં) લાયકાતની તારીખ તરીકે આવતા વર્ષની ૧લી જાન્યુઆરીના સંદર્ભમાં મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવતી હતી. જેથી આખરી મતદારયાદીનું પ્રકાશન આગામી વર્ષના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કરી શકાય. આનો અર્થ એ થયો કે ૧લી જાન્યુઆરી પછી ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મોટી સંખ્યામાં યુવાનોએ નોંધણી માટે આગલા વર્ષના સ્પેશિયલ સમરી રિવિઝનની રાહ જોવી પડતી હતી. સાથે જ તેઓ આ સમયગાળા દરમ્યાન યોજાતી ચૂંટણીઓમાં ભાગ પણ લઈ શકતા નહોતા.
ચૂંટણી પંચ દ્વારા રજીસ્ટ્રેશન ફોર્મ્સને વધુ યુઝર ફ્રેન્ડલી પણ બનાવવામાં આવ્યા છે. નવા તૈયાર કરવામાં આવેલા આ સરળ ફોર્મ ૧લી ઓગસ્ટ, ૨૦૨૨થી અમલમાં આવશે. તે પૂર્વે જૂના ફોર્મ્સ દ્વારા કરવામાં આવેલી મતદાર તરીકે નોંધણી માટેની અરજીઓ અને સુધારા માટેની અરજીઓનો નિકાલ કરવામાં આવશે તથા તે માટે નવા ફોર્મમાં અરજી કરવાની જરૂરીયાત રહેશે નહીં.
આગામી સમયમાં ચૂંટણીઓ યોજાનાર હોય તે સિવાયના તમામ રાજ્યોમાં લાયકાતની તારીખ તરીકે તા.૦૧.૦૧.૨૦૨૩ના સંદર્ભમાં એન્યુઅલ સમરી રિવિઝન કરવાનો ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચની હાલની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ, મતદારયાદી મેન્યુઅલ, ૨૦૧૬ અને મતદાન મથક મેન્યુઅલ, ૨૦૨૦ મુજબ તમામ પ્રિ-રિવિઝન એક્ટીવિટી હાથ ધરવામાં આવી છે. મતદારયાદીને લગતી આ પ્રવૃત્તિઓ એવી રીતે કરવામાં આવે છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ (દર વર્ષે ૨૫મી જાન્યુઆરી) પહેલા મતદારયાદી પ્રકાશિત કરી શકાય. જેથી નવા મતદારો ખાસ કરીને યુવા મતદારો માટે EPIC જનરેટ કરી મતદાતા દિવસની ઉજવણીરૂપે તેમને વહેંચી શકાય.
પૂર્વ-સુધારણા પ્રવૃત્તિઓમાં મતદાન મથકોના પુનર્ગઠનનો સમાવેશ થાય છે. એક સરખી વિગતો અને સરખા ફોટો ધરાવતી એન્ટ્રીઓની વિસંગતતાઓ દૂર કરવી, લાયકાતની તારીખ તરીકે ૦૧.૦૧.૨૦૨૨ના સંદર્ભમાં પૂરક અને સંકલિત મતદારયાદીની તૈયારીનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાંથી એકથી વધુ થયેલ તમામ એન્ટ્રીઓને દૂર કરવા અને EPICમાં વિસંગતતાઓને દૂર કરવાની બાબત પૂર્વ-સુધારણા પ્રવૃત્તિઓના વર્તમાન રાઉન્ડ દરમિયાન સુનિશ્ચિત કરવા માટેના તમામ પ્રયત્નો કરવા નિર્દેશ આપ્યો છે.
ઓગસ્ટમાં શરૂ થનારી રિવિઝન એક્ટિવિટીમાં મતદારયાદીના સંકલિત મુસદ્દાના પ્રકાશન પછી પ્રાપ્ત થયેલા દાવા અને વાંધાઓના નિકાલનો સમાવેશ થાય છે. સ્પેશિયલ સમરી રિવિઝન હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીમાં દાવા અને વાંધાઓ દાખલ કરવા માટે એક મહિનાનો સમયગાળો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અંતિમ મતદાર યાદી તા.૧૦મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
એન્યુઅલ સમરી રિવિઝનના ભાગરૂપે આપેલ શેડ્યૂલ મુજબ અને મતદાન મથક મેન્યુઅલ, ૨૦૨૦માં સમાવિષ્ટ સૂચનાઓ અનુસાર મતદાર યાદીના મુસદ્દાના પ્રકાશન પહેલાં ૧,૫૦૦થી વધુ મતદારો ધરાવતા મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે. દૂર-સુદૂરના ગામના લોકો તથા શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાન કરવા વધુ અંતર સુધી જવું ન પડે તે માટે નિયમાનુસાર નવા મતદાન મથકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. પરિવારના તમામ સભ્યો અને પડોશીઓને એક વિભાગમાં જ મતદાન કરવા જઈ શકે તે માટે નવીન મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી પૂર્ણતાના આરે છે.
આધાર નંબરને મતદારયાદી સાથે લિંક કરવા માટે આવશ્યક એવી મતદારોની આધાર વિગતો મેળવવા માટે સુધારેલા નોંધણી ફોર્મમાં જોગવાઈ કરવામાં આવી છે. વર્તમાન મતદારોના આધાર નંબર એકત્રિત કરવા માટે નવું ફોર્મ-૬(ખ) તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, આધાર નંબર ન આપનાર વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢવામાં આવશે નહીં.ચૂંટણી પંચ દ્વારા એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે, અરજદારોના આધાર નંબરની જાળવણી કરતી વખતે આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષિત ડિલિવરી) અધિનિયમ, ૨૦૧૬ની કલમ-૩૭ હેઠળની જોગવાઈઓનું પાલન કરવું આવશ્યક છે. કોઈ પણ સંજોગોમાં આધાર નંબરની વિગતો જાહેર ન થવી જોઈએ. જો મતદારોની માહિતી જાહેર પ્રદર્શન માટે મૂકવી જરૂરી હોય, તો આધાર વિગતો દૂર કરવી અથવા માસ્ક કરવી આવશ્યક છે.
પુનરાવર્તિત થતી કે મલ્ટિપલ એન્ટ્રીઝને કાઢી નાખવાની વિગતવાર પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાગરિકો, રાજકીય પક્ષોના BLAS અથવા RWA પ્રતિનિધિઓ દ્વારા વારંવાર કરાવવામાં આવતી બહુવિધ એન્ટ્રીઓના દરેક કેસમાં ફિલ્ડ વેરિફિકેશન ફરજિયાતપણે કરવામાં આવશે. મતદારનું નામ મતદારયાદીમાંથી તે જગ્યાએ જ કાઢી નાખવામાં આવશે જ્યાં તે સામાન્ય રીતે રહેતા ન હોય.
સ્વસ્થ મતદાર યાદી તૈયાર કરવાના હેતુથી ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરો દ્વારા ફિલ્ડ વેરિફિકેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ફિલ્ડ વેરિફિકેશન એ સુપરવાઈઝર, EROs અને AEROs જેવા ચૂંટણી તંત્રના વિવિધ સ્તરો દ્વારા કરવામાં આવતી કામગીરીની જવાબદારી લાગુ કરવા માટે, દેખરેખ અને ચકાસણી માટેની એક પદ્ધતિ છે. તેવી જ રીતે DEOs, રોલ ઓબ્ઝર્વર્સ અને CEO પણ દાવાઓ અને વાંધાઓ પર અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં EROs દ્વારા કરવામાં આવેલા કામની તપાસ કરશે. આ ઉપરાંત, ECIના અધિકારીઓ અને CEO કચેરીના અધિકારીઓને પણ વધુ આકસ્મિક તપાસ અને દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજકીય પક્ષોની સહભાગીતા સુનિશ્ચિત કરવાના હેતુથી ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સ (BLAs)ને એક દિવસમાં એક સમયે ૧૦થી વધુ ફોર્મ જમા કરાવી શકશે નહીં તેવી શરતને આધિન જથ્થાબંધ અરજીઓ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો BLA દાવાઓ અને વાંધાઓ ફાઇલ કરવાના સમગ્ર સમયગાળા દરમિયાન ૩૦થી વધુ અરજીઓ કે ફોર્મ્સ ભરાવે છે, તો ERO/AERO દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. વધુમાં, BLA એ ઘોષણા સાથે અરજીપત્રકોની યાદી પણ જમા કરાવશે કે તેણે અરજી ફોર્મની વિગતોની વ્યક્તિગત રીતે ચકાસણી કરી છે અને તેઓ સાચા છે. તેનો સંતોષ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application