દૂધ મંડળીની સાધારણ સભામાં હાજરી આપી બહાર નીકળતાં સભાસદ પર ચાર ઇસમોએ લોનની રકમ ભરવા બાબતે હુમલો કર્યો હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ સોનગઢના આમલીપાડા ગામે રહેતા દિલીપભાઇ ભીલાભાઇ ગામીત ગામની દૂધ મંડળીમાં સભાસદ પણ છે. દિલીપભાઈ એ અગાઉ દૂધ મંડળીમાંથી લોન લીધી હોય અને તેઓ લોનના હપ્તાની રકમના રૂપિયા મંડળીમાં ભરતાં આવ્યાં છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા હતી, જેમાં કેટકાલ મુદ્દા પર તેઓ એ પોતાનો મત પણ રજૂ કર્યો હતો. જોકે બપોરે સભા પુરી થતાં દિલીપભાઈ ઘરે જવા નીકળ્યા હતાં. આ સમયે મંડળીની બહાર નારણભાઇ ઇશ્વરભાઈ ગામીત, વિલાસભાઇ ગોવાનભાઇ ગામીત અને મહેન્દ્રભાઇ પાયમલભાઇ ગામીત તથા મિતુલભાઇ ગામીત રહે,તમામ આમલીપાડા ગામ તા.સોનગઢ તેઓને મળ્યાં હતા. દરમિયાન નારણભાઈ ગામીતે, દિલીપભાઈ ગામીતને કહ્યું કે તમારા દૂધ મંડળીમાં પૈસા ભરવાના બાકી છે એ તમે કેમ ભરતા નથી. તમને મંડળીની સાધારણ સભામાં બોલવાનો કોઈ અધિકાર નથી.
આ સમયે દિલીપભાઈએ કહ્યું કે હું મંડળીમાં લોનના પૈસા નિયમિત ભરુ જ છું. આ સાંભળી નારણભાઈ અને વિલાસ, મહેન્દ્ર અને મિતુલ એકદમ ઉશ્કેરાઇ જઈ દિલીપભાઈને ઢીક મુક્કીનો માર મારવા માંડ્યા હતા, જેથી તેમને મૂઢ માર વાગ્યો હતો. આ સમયે દિલીપભાઈનો દીકરો ત્યાં દોડી આવી પિતાને વધુ માર ખાતા બચાવેલા હતાં. બાદમાં આરોપીઓ દિલીપભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતાં.બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500