વિશ્વામાં વસતા આદિવાસી સમુદાયની સામાજીક અને સાંસ્કૃતિક વિરાસત જળવાઇ રહે અને આદિવાસી સમુદાય પોતાની ઓળખ ટકાવી રાખે એ માટે સંયુકત રાષ્ટ્ર સંઘે તા. ૦૯મી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. સમગ્ર વિશ્વમાં તા. ૦૯મી ઓગષ્ટને આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. સુરત જિલ્લાની આવેલી ત્રણ આદિજાતિ અનામત વિધાનસભા મતવિસ્તારમાં આગામી તા. ૦૯મી, ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે.
વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા આગોતરા આયોજન અંગે તાલુકા પંચાયત બારડોલી ખાતે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘીએ બેઠક યોજી સમીક્ષા કરી હતી. માંડવી પ્રાયોજના વહીવટદાર રામનિવાસ બુગાલિયાએ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ઉમરપાડા બજાર ખાતે, મહુવા વિધાનસભા મતવિસ્તારમાં તુલસી કોમ્પલેક્ષ, વલવાડા ખાતે તથા માંડવી વિધાનસભા મતવિસ્તારમાં માંડવી રિવરફ્રન્ટ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં રાજયકક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોઇ કાર્યક્રમના આયોજનમાં કોઇ કચાશ ન રહી જાય એ અંગે વિશેષ તકેદારી રાખવા માટે જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓને સૂચના આપી હતી. આયોજન સંદર્ભે જો કોઇને કોઇ મૂંઝવણ હોઇ તો કલેકટર કચેરીમાં સંપર્ક કરી માર્ગદર્શન આપવામાં આવશે એમ જણાવ્યું હતું. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ત્રણ સરકારી કાર્યક્રમો સહિત સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સંગઠનો દ્વારા પણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર હોય તમામ પરવાનગીઓ સમયમર્યાદામાં આપી દેવામાં આવે જેથી કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એમ ઉમર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500