Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે વિશ્વ પ્રવાસન દિવસ : અનેક મનોરમ્ય ધોધના કારણે વલસાડ જિલ્લાએ પર્યટકોમાં નવી ઓળખ મેળવી

  • September 27, 2023 

પારનેરા અને વિલ્સન હિલ બાદ હવે મોટી કોરવડ અને કોલવેરાનું અલૌકિક સૌંદર્ય પર્યટકોને આકર્ષી રહ્યું છે તા.૨૭ સપ્ટેમ્બરને દુનિયાભરમાં વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદેશ્ય માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી કરવાનો પણ છે. દર વર્ષે થીમ આધારિત પ્રવાસન દિવસની ઉજવણી થતી હોય છે ત્યારે આ વર્ષની થીમ "ટુરિઝમ એન્ડ ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ"ની છે. ત્યારે આજના દિવસે વાત કરીએ ગુજરાતના છેવાડાના નાનકડા જિલ્લા વલસાડની તો, કુદરતે વલસાડને અખૂટ સૌંદર્યની સાથે નદી, ધોધ, સમુદ્ર, ડુંગરો, લીલાછમ જંગલો સહિત પ્રકૃતિની ભેટ આપી છે. આ સિવાય ધાર્મિક અને મનોરંજનની દ્રષ્ટીએ પણ વલસાડ જિલ્લામાં એવા અનેક સ્થળો છે જે પર્યટકોને વલસાડ તરફ ખેંચી લાવે છે. શાંતિપ્રિય એવા વલસાડમાં છેલ્લા બે દાયકામાં ગુજરાત સરકારના પ્રયાસથી પ્રવાસન સ્થળોનો વિકાસ ફૂલ્યો ફાલ્યો છે. જેના થકી અનેક લોકોને ઘર આંગણે રોજગારી પણ મળતી થઈ છે.



ત્યારે વિશ્વ પ્રવાસન દિવસે વાત કરીશુ વલસાડ જિલ્લાની ખૂબસૂરતી અને વલસાડના વૈવિધ્યની કે જેના કારણે પ્રવાસન ક્ષેત્રે દેશ વિદેશમાં વસતા લોકો ફરવા માટે આવે તો વલસાડ હરવા ફરવા અને ખાણીપીણીની દ્રષ્ટીએ મનપસંદ પ્રવાસન સ્થળ બની રહ્યું છે. મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની સરહદ પર આવેલા વલસાડ જિલ્લાને પ્રકૃતિની અમૂલ્ય દેન છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ પ્રદેશોમાં અદભૂત મનોરમ્ય ધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેમાં ખાસ કરીને ધરમપુરના બિલપુડીના જોડીયા ધોધ, ગોરખડા ગામે યોગી ધોધ, પિંડવળ ઘાંઘરી વોટરફોલ, માકડબનના ગણેશ ધોધ, ખોબા ગામનો મંગલ ધોધ, વાઘવળ ગામનો શંકર વોટરફોલ, હનુમતમાળ વોટર ફોલ અને કપરાડા તાલુકામાં માતુનિયા ગામનો લુહારી માવલી ધોધ, પીપલસેત ગામનો ઈશ્વર ધોધ, બારપુડા વોટરફોલ, સિલ્ધા ધોધ, દિક્ષલ ગામનો જવરાજવરી ધોધ અને વડોલી વોટરફોલ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.



દર વર્ષે અહીં પ્રકૃતિને નજીકથી માણવા સહેલાણીઓની માનવ મેદની ઉમટી પડે છે. આ સિવાય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારનેરા ડુંગર, વિલ્સન હિલ, મોટી કોરવડ અને કોલવેરા હિલ સ્ટેશનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અહીં પર્યટકો માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે કાળજી રખાઈ રહી છે. અરબી સમુદ્રના કાંઠે વસેલો વલસાડ જિલ્લો ઘૂઘવતા મોજાના કારણે તિથલ અને નારગોલ બીચ પર્યટકોમાં ફેવરીટ છે. તિથલ સમુદ્ર કાંઠે સ્વામિનારાયણ અને સાંઈ બાબાનું મંદિર પણ ભક્તો અને સહેલાણીઓ માટે મનની શાંતિ મેળવવા માટેનું અમૂલ્ય સ્થળ છે. છેલ્લા બે દાયકામાં રાજ્ય સરકારે કપરાડા તાલુકાના બાલચોંડી ગામમાં આમ્રવન અને ઉમરગામના કલગામમાં મારૂતિનંદન વનની ભેટ વલસાડ જિલ્લાને આપી છે. વલસાડ જિલ્લો સદીઓ બાદ આજે પણ પારસી સમાજની સંસ્કૃતિનું જતન કરી રહ્યો છે. પારડીના ઉદવાડામાં ઈરાનશાહ અને ઉમરગામના સંજાણમાં કિર્તીસ્તંભ તેનું પ્રતિક સમાન છે. પારસી સમાજની સંસ્કૃતિઓને નજીકથી નિહાળવા માટે મ્યુઝીયમ પણ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્રરૂપ છે. ઉમરગામનો વૃંદાવન સ્ટુડીયો પણ સમુદ્ર કાંઠે હોવાથી પર્યટકો અચૂક મુલાકાત લે છે.



પારડી તાલુકાનો બગવાડાનો કિલ્લો પણ ધાર્મિક રીતે આસ્થાનું ધામ ગણાય છે. વલસાડ જિલ્લો આજે પણ પોતાના પ્રાકૃતિક સ્થળો, સંસ્કૃતિ અને વારસાને સાચવીને બેઠુ છે. અહીં એડવેન્ચર સ્પોટની સાથે સાથે ઐતિહાસિક ધરોહરો, આદિવાસી લોકબોલીઓ અને સંગીત પ્રવાસીઓને વધુ આકર્ષે છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિલ્સન હિલનો વિકાસ કરાયો તાજેતરમાં જ ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લી.બોર્ડ દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા સહેલાણીઓ માટે વોકવે, ગાર્ડન, રેસ્ટોરન્ટ, ટોઇલેટ, લાઇટ, પાર્કિંગ, પ્રોટેક્શન વોલ, કિયોસ્ક, ચેઈનલીંક ફેન્સીંગ (મંદિર સાઈડ), લેન્ડ લેવલીંગ ફોર ગાર્ડનીંગ અને પ્લમ્બરીંગ વર્ક, પ્લાન્ટેશન, સાઈનેજ બોર્ડ જેવા કામો પૂર્ણ કરી પ્રવાસી માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.



ચોમાસા દરમિયાન રાજ્ય તેમજ અન્ય રાજ્યોના પ્રવાસીઓનો વધુ ધસારો રહે છે. ૧૫મી સદીનો પારનેરાનો ડુંગર ધાર્મિકતાની સાથે સનસેટ પોઈન્ટ તરીકે ફેવરીટ બન્યો પારનેરા ડુંગર પર શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા અને મહાકાળી માતાના મંદિર છે. ડુંગર પર ૧૫મી સદીના કિલ્લાના અવશેષો અને તે સમયની કુશળ ઇજનેરી પદ્ધતિનું માળખું જોઇ શકાય છે. વર્ષમાં બે વાર ચૈત્ર અને આસો માસની નવરાત્રીના મેળામાં ૩થી ૪ લાખ લોકો દર્શને આવે છે. જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા સહેલાણીઓ માટે તેમજ યાત્રાળુઓ માટે શેડ સાથે પગથિયાંની સુવિધા, જર્જરિત કિલ્લાનું રિપેરિંગ કામ, સનસેટ પોઈન્ટ, પાર્કિંગ, રોડ અને લાઇટના કામો આવરી લઈ કામો પૂર્ણ કરી પ્રવાસી માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.



કેમ અને ક્યારથી ઉજવાય છે વિશ્વ પર્યટન દિવસ પર્યટનના મહત્વ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને યુનાઈટેડ નેશન્સ દ્વારા તા.૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ૨૭ સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ પર્યટન દિવસ તરીકે એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે, ૧૯૭૦માં આજ દિવસે મેક્સિકોમાં એક ખાસ એસેમ્બલી મળી હતી, જેમાં વિશ્વ પ્રવાસન સંગઠનનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૭ સપ્ટેમ્બર, ૧૯૮૦ ના રોજ પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. દરેક દેશના જીડીપીમાં પ્રવાસન સ્થળોનું યોગદાન વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં પ્રવાસન ઉદ્યોગ વિકાસની સાથે આવક અને રોજગારીનો પણ મુખ્ય સ્રોત બની ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application