માહિતી વિભાગ દ્વારા તાપી, તાપી જિલ્લાના સોનગઢ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ, ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને, તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી નાયબ મુખ્ય દંડક વિજયભાઇએ જણાવ્યુ હતું કે, પર્યાવરણનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. આજે ઋતું ચક્રમાં આવેલા બદલાવ માટે ક્યાંક ને કયાંક આપણે પણ જવાબદાર છીએ. તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા અનેક સરાહનીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આંબાપાણી ઇકો ટુરીઝમ જેવી જગ્યાઓના કારણે સ્થાનિક નાગરિકોને રોજગારીની તકો મળી છે.
સખી મંડળ અને વન મંડળી, વન સમિતીઓને નાની મોટી પ્રવૃતિઓમાં સહભાગી બનાવી વનના માધ્યમથી રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. મુખ્ય દંડકએ સૌ નાગરિકોને આપણાપણાનો ભાવ રાખી જંગલોને બચાવીએ તો જ પરિવર્તન શક્ય છે. જંગલો પરોકારી છે તેથી તેનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે. જન્મથી લઇ મૃત્યુ સુધી જંગલો ઉપયોગમાં આવે છે. વન વગર જીવન શક્ય નથી ત્યારે પર્યાવરણ અનુસાર આપણું જીવન બનાવવું પડશે તેવી અપીલ કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં સાંસ્કૃતિક વન નિર્માણનો પ્રારંભ થયો હતો.
જે આજે સમગ્ર દેશ માટે પ્રવાસન અને પર્યાવરણની દ્રષ્ટીએ ઉદાહરણ રૂપ બન્યા છે. તેમણે તાપી જિલ્લામાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ કુલ-૧૧૯૪૭ દાવાઓ મળેલ છે. જે પૈકી ૮૨૯૧ વ્યકિતગત દાવાઓ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા મંજુર કરી ૮૭૮૮.૪૧૩૫ હેકટર જંગલની જમીનની ફાળવણી કરવામાં આવેલ છે, એમ જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય ડૉ.જયરામભાઇ ગામીતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણને કુદરતે અન્ય જીવો કરતા વિશેષ આપ્યું છે, ત્યારે મનુષ્ય તરીકે પર્યાવરણની જાણવણી કરવાની વિષેશ જવાબદારી આપણી બની રહે છે.
તેમણે રોડ રસ્તા, ઘરની આસપાસ તથા પોતાન જન્મ દિન, કે કોઇ પણ ખાસ પ્રસંગે વૃક્ષોનું વાવેતર કરવા અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હ્તું કે, આપણે સૌ પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ. આજે પર્યાવરણ દુષિત થવાના લીધે પર્યાવરણનું સમતોલન બગડ્યું છે. તેથી આપણા સૌની ફરજ બને છે કે આપણે પર્યાવરણનું જતન કરીએ. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને રોજીંદા જીવનમાં કાગળ કે કાપડની થેલીનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો. તાપી જિલ્લા વન વિભાગ દ્વારા ખુબ સારી કામગીરી કરવામાં આવી રહી છે એમ પણ તેમણે સરાહના કરતા કહ્યું હતું.
સ્વાગત પ્રવચન કરતા તાપીના નાયબ વન સંરક્ષક પુનિત નૈયર એ જણાવ્યું હતું કે, આજથી 50 વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજ દિન સુધી આપણે સૌ ૫મી જુના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરી રહ્યા છે. તેમણે ગુજરાત સરકારના વન કવચ અને ભારત સરકારના MISHTI પ્રોજેક્ટ વિશે પણ જાણકારી આપી હતી. તાપી જિલ્લા અંગેની માહિતી આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ચોમાસા દરમ્યાન ૧૫૯૦ હેકટર જેટલાં વિસ્તારમાં કુલ ૧૩.૧૨ લાખ રોપાનું વાવેતર કરવામાં આવનાર છે.
તાપી જિલ્લામાં ૪.૧૫ ટકા વન વિસ્તાર છે. તેમણે પર્યાવરણનું જતન કરવા અને પોતે પ્રેરીત થઇ અન્યને પ્રેરિત કરવા ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે “દિપડા અને તૃણભક્ષી/નાના સસ્તન પ્રાણીઓની વસ્તી ગણતરી મે-2023” રાજ્યવ્યાપી વસ્તી અંદાજમાં વન વિભાગ તાપીને ગણતરીમાં મદદરૂપ બની સારી કામગીરી કરવા બદલ મહાનુભાવોના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરી સન્મનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમના જીવંત પ્રસારણમા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇ સૌ મહાનુભાવો કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500