સુરત જિલ્લા પંચાયત ખાતે સેવા રૂરલ ઝઘડિયા (ભરૂચ)ના સહયોગથી એપિડેમિક શાખા દ્વારા સિકલસેલ એલિમિનેશન મિશન-૨૦૪૭ અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ તથા સિકલસેલ કાઉન્સિલરોને વારસાગત સિકલસેલ એનિમિયાના રોગની અટકાયત અને નિયંત્રણ માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સેવાના નિષ્ણાત તબીબોએ ગામ્ય કક્ષાએ સિકલસેલ પીડિત સગર્ભા માતાઓ અને દર્દીઓને યોગ્ય સમજ આપવા પર ભાર મૂક્યો હતો.
સિકલસેલને અટકાવવા માટે અને તેનાથી પ્રભાવિત લોકો માટે અગત્યના પગલાંઓ જેવા કે પુષ્કળ પાણી પીવું, નિયમિત ફોલિક એસિડ લેવું, અને અનાવશ્યક શ્રમ ટાળવા તેમજ વધુ ઉંચાઈ પર ન જવા જેવી કાળજી રાખવા અંગે સમજ અપાઈ હતી. સિકલસેલ સગર્ભા માતાઓએ નિષ્ણાત ડોક્ટર પાસે જ પ્રસૂતિ કરાવવા અને નિયમિત તબીબી તપાસ કરાવવા જણાવ્યું હતું. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૨,૬૯૧ સિકલસેલ એનિમિયાગ્રસ્ત દર્દીઓ છે જયારે ૨૪,૮૯૨ ટ્રેઈટ એટલે કે, સિકલસેલ એનિમિયાના વાહક દર્દીઓ નોંધાયેલા છે. બે સિકલસેલ વાહક/રોગ ધરાવતી વ્યકિતએ એકબીજા સાથે લગ્ર ન કરવા જોઈએ. લગ્ન ગ્રંથી જોડાતા પહેલા સિકલ સેલ માટે લોહીનું પરિક્ષણ કરાવવું જોઈએ. વિભાગીય નાયબ નિયામક ડો.જ્યોતિ ગુપ્તા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત વર્કશોપમાં ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ, પ્રોગ્રામ ઓફિસર્સ તથા સેવાના નિષ્ણાતોએ જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરી અને ભાવિ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500