રાજ્યવ્યાપી નારી વંદન સપ્તાહ-૨૦૨૪ અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ‘મહિલા જાગૃતિ દિવસ’ની ઉજવણી કરાઇ હતી. જેમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લઈ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો પાસેથી મહિલા અધિકારો, મહિલાઓ માટેની યોજનાઓ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન અને પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર(PBSC) વિષે ઉપયોગી અને વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડ્વોકેટ રિલેશ લિંબાચીયાએ વિદ્યાર્થિનીઓને મહિલાલક્ષી કાયદાઓ, જિલ્લા અને ફેમિલી કોર્ટ, મહિલા સુરક્ષા માટેના દહેજ પ્રતિબંધક એક્ટ અને ઘરેલુ હિંસા જેવા કાયદાઓની સમજ આપી હતી. તેમણે વિદ્યાર્થિનીઓને સમય સાથે અપડેટેડ રહેવા અને ઉત્તમ શિક્ષા પ્રાપ્ત કરવાની હિમાયત કરી હતી.
સમાજના કુરિવાજોથી દૂર રહેવા અને નવી પહેલ કરવા માટે ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને કોઈપણ પ્રકારના પ્રલોભનથી બચવા તેમજ નિશ્ચિત ધ્યેય નક્કી કરી ઉજ્જવળ કારકિર્દી બનાવી પરિવાર-સમાજનું ગૌરવ વધારવા અનુરોધ કર્યો હતો. ભીમરાડ મહિલા આઇ.ટી.આઇ.ના સુપરવાઇઝર ફરીન સુરતીએ ભીમરાડની મહિલા ITIમાં મહિલાઓ માટે ચાલતા કોસ્મેટોલોજી, ફેશન ડિઝાઇનિંગ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, સીવણ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સહિતના નિ:શુલ્ક કોર્સિસની માહિતી આપી હતી. સાથે જ કોર્સ કર્યા બાદ મળતી સ્વરોજગારીની તકો વિષે વાકેફ કર્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થિનીઓને પોકસો એક્ટ અને બાળ લગ્ન વિષયક કાયદાકીય માહિતી અપાઈ હતી. બાળ સુરક્ષા માટેની હેલ્પલાઇન, ૧૮૧ અભયમની કામગીરી તેમજ PBSC સેન્ટરના સંકટ સખી એપ્લિકેશન વિષે વિસ્તૃતમાં સમજૂતી અપાઈ હતી. મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ‘ભ્રૂણ હત્યા’ અને ‘બેટી બચાવો’ વિષય પર આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને મહાનુભાવો દ્વારા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓએ નશા મુક્તિના સામૂહિક શપથ લીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500