ગાંધીનગર શહેર નજીક આવેલ BSF કેમ્પમાં ફરજ બજાવતા જવાને લેકાવાડામાં પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાંઇને આપઘાત કરી લીધો હતો. પિયરમાં રહેલી પત્નીએ ફોન કરતા જવાબ નહીં મળતા તેણે પાડોશીઓને જાણ કરી હતી. ત્યારબાદ તપાસ કરતા જવાને ઘરમાં અંતિમપગલું ભર્યાનું બહાર આવ્યું હતું.
બનાવ અંગે ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેર નજીક આવેલા BSFમાં કોન્સ્ટેબલ તરીકે મુળ પશ્ચિમ બંગાળના ખાંટૂડીનો 28 વર્ષિય જવાન પારિતોષ કાર્તિકચંદ્ર ઘોષ તેની પત્ની સાથે લેકાવાડામાં મકાન ભાડે રાખીને રહેતો હતો છેલ્લા એક મહિનાથી પત્ની પિયરમાં ગઇ છે અને પારિતોષ ફરજ બજાવવા માટે લેકાવાડામાં એકલો રહેતો હતો. તે દરમ્યાનમાં રાત્રે પિયરમાં રહેલી પત્ની દ્વારા પારિતોષને ફોન કરવામાં આવ્યા હતા.
પરંતુ ફોન ઉપડતા ન હતા જેના કારણે તેણી પણ ચિંતામાં પડી ગઇ હતી અને ત્યારબાદ પાડોશીઓને જાણ કરી હતી કે, પારિતોષ દ્વારા ફોન ઉપાડવામાં આવતા નથી જેથી તેમણે ઘરમાં તપાસ કરતા પારિતોષ મકાનમાં રહેતા હૂક સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ સંદર્ભે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. બીજીબાજુ BSFના અધિકારીઓ પણ લેકાવાડા પહોંચી ગયા હતા હાલ આ મામલે ચિલોડા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરીને જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ મોકલી આપ્યો હતો અને તેના પરિવારજનોને જાણ કરી હતી. જવાને કયા કારણોસર આ અંતિમપગલું ભર્યું તે જાણવા મથામણ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500