સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી વધુ એક ઘટના બનતા બનતા રહી ગઈ છે. પરંતું ચિંતા એ છે કે સુરતમાં હજી પણ યુવતીઓ સલામત નથી. સુરતમાં હજી પણ યુવતીઓ ગ્રીષ્મા જેવી ભોગ બની રહી છે. જહાંગીર પુરા વિસ્તારમાં સનકી યુવાને પ્રેમિકાને ચાકુના ઘા ઝીંક્યા છે.. એટલું જ નહીં યુવતીની માતા પર પણ તેણે હુમલો કર્યો. યુવતીના પરિવારને લગ્નની ના પાડતા યુવાન હિંસા પર ઉતરી આવ્યો. વેલેન્ટાઈન વીકમાં બંનેના સંબંધો તૂટી ગયા હતા. અને ત્યારથી જ આરોપી બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘટનામાં યુવતીનો બચાવ થયો છે. જ્યારે જહાંગીરપુરા પોલીસે યુવાનની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના જહાંગીર દાંડી રોડ પર સોસાયટીમાં રહેતી 23 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા થકી મોરાભાગળ ખાંડા કૂવા પાસે રહેતા પ્રતીક પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા બાદ બંને વાતચીત કરતા હતા. આ બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવતી તેના પિતાના ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે. ત્યારે આ વચ્ચે પ્રતીક યુવતીને વારંવાર લગ્ન કરી લેવા દબાણ કરતો હતો. પ્રતીક યુવતી પાસેથી તેના બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ તથા એલસીની વારંવાર માંગણી કરતો હતો. આ બાદ પ્રતીક તેને લગ્ન કરવા ધમકી આપવા લાગ્યો કે, તે લગ્ન નહિ કરે તો દવા પીને આપઘાત કરી લઈશ.
એક દિવસ રાતના સમયે પ્રતીકે યુવતીને ફોન કરીને કહ્યું કે, તેણે એસિડ પીધું છે અને હવે જો તે લગ્ન નહિ કરે તો મરી જશે. આ બાદ ડરી ગયેલી યુવતી પ્રતીકની વાતોમાં આવી ગઈ હતી. તેણે અલથાણમાં એક મહાદેવ મંદિરમાં પ્રતીક સાથે લગ્ન કર્યા હતા. જ્યાં પ્રતિકના પરિવારજનો અને મિત્રો ત્યા હાજર હતા. જોકે, બીજી તરફ યુવતીના માતાપિતાને આ વિશેની ખબર પડી જતા તેમણે આ લગ્નનો વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આ લગ્ન ફોક હોવાનું જણાવ્યુ હતું.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, આ બાદ પ્રતીક ગુસ્સે થયો હતો. યુવતી તેના માતા સાથે એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે પ્રતીકે તેમના પર હુમલો કર્યો હતો. પ્રતીકે મને જાનથી મારી નાંખવાની ધમકી આપીને મારું ગળુ તથા મારે કાંડાના ભાગે છરીના બે ઘા માર્યા હતા. બાદમાં તેણે મારા ગુપ્ત ભાગે જમણી બાજુ મને ઘા માર્યો હતો. આ બાદ મારી માતા વચ્ચે પડતા તેણે મારી મમ્મીને પણ માર્યો હતો. આ ઘટનામાં યુવતી અને તેની માતા ઘાયલ થઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો યુવતીને ટાંકા લેવા પડ્યા હતા. આ બાદ યુવતીએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રતીક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેના બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500