ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના શંકાસ્પદ અકસ્માત મોતનો મામલે પોલીસ વડાએ મોટું પગલું ભર્યું છે. ગઈ કાલે એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ પીઆઇ એ.આર વાળા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. વાળાની પહેલા માત્ર બદલી કરવામાં આવી હતી. બદલીના બે કલાકમાં પોલીસ વડાએ પી.આઈ.ને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
નોંધનીય છે કે, ડાંગના વઘઇ ગામના બે યુવાન સુનિલ પવાર અને રવિને ચીખલી પોલીસ ગુનામા શંકાના આધારે ઉંચકી ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનમાંથી બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. યુવાનોના શંકાસ્પદ મોતના લીધે ચીખલી તેમજ ડાંગ જિલ્લાના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ચીખલી પોલીસ સ્ટેશનને ધામા નાખ્યા હતા. યુવાનોના કયા કારણોસર મૃત્યુ થયા છે અને યુવાનોના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ, એવી માંગણી કરી હતી.
યુવાનોના સુરત એફએસએલે સેમ્પલ લીધા પછી બંને યુવાનોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા હતા. ગઈ કાલે ગુરૂવારે સવારે વઘઇ મુકામે બંને યુવાનોની અંતિમવિધિ કરાઇ હતી. વઘઈમાં અણબનાવ નહીં બને તેના માટે પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો. નવસારી જિલ્લામાં પણ આદિવાસી સમાજના આગેવાનોએ તથા સંગઠનોએ યુવાનોના આપઘાત કેસમાં તલસ્પર્શી તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500