વર્તમાન તહેવારોની મોસમ દરમિયાન નવી દિલ્હી, આનંદ વિહાર, જબલપુર, વિજયવાડા વગેરે જેવા વિવિધ સ્ટેશનો પર ટ્રેનોમાં ફટાકડા મળી આવ્યા બાદ રેલ્વે મંત્રાલય દ્વારા રેલવે નેટવર્કમાં જ્વલનશીલ વસ્તુઓ લઇ જતા મુસાફરો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રેલવે દ્વારા પણ મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવા અને મુસાફરી વખતે ફટાકડા, ગેસ સિલિન્ડર, એસિડ, પેટ્રોલ, કેરોસીન, પેટ્રોલ, ડિઝલ વગેરે જેવી જ્વલનશીલ અને વિસ્ફોટક ચીજવસ્તુઓ સાથે ન રાખવાની સૂચના આપવામાં આવી રહી છે.
આ દરમિયાન છેલ્લા બે દિવસમાં દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર ટ્રેનમાં અને પ્લેટફોર્મ ઉપર કુલ 37, 311 મુસાફરોના સામાનની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી 155 મુસાફરો પેટ્રોલ, કેરોસિન, ગેસ સિલિન્ડર અને ફટાકડા જેવા જ્વલનશીલ પદાર્થો સાથે ઝડપાતા તેમની સામે FRI નોંધીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે હવે તેની સામે કોર્ટમા કાર્યવાહી થશે અને ત્રણ વર્ષની સજા થઇ શકે છે.
આ ઉપરાંત ટ્રેનોમાં સિગારેટ અને બીડી પીતા અથવા તો સિગરેટ અને બીડી સાથે રાખતા 3,284 મુસાફરો સામે કાયદેસરની કાર્યવાહી કરીને પ્રત્યેકને રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવે દ્વારા પણ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જ્વલનશીલ પદાર્થ સાથે યાત્રા કરતા 13 મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી અને 1.63 લાખની કિંમતની જ્વલનશીલ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રેલવે અધિનિયમ 1989ની કલમ 67, 164 અને 165 મુજબ, રેલવે પર જ્વલનશીલ અને વિસ્ફોટક સામગ્રી વહન એ શિક્ષાપાત્ર ગુનો છે જેમાં 1000 સુધીનો દંડ અથવા ત્રણ વર્ષ સુધીની જેલની સજાને પાત્ર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500