ખેડાનાં ગળતેશ્વરનાં શણાદરા ગામ નજીક નર્મદા યોજનાની પેટા કેનાલમાં ગાબડું પડતા ડાભસર, શણાલી, પાલૈયા ગામના ૧૦૦થી વધુ ખેડૂતોના જમીનમાં પાણી ઘૂસી ગયા હતા. પરિણામે રવિ વાવેતરને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. કેનાલના સમારકામ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા હતા. તેમજ તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. આ પાંખિયાવાળી કેનાલમાં ગાબડું પડતાં ગત સોમવારે રાત્રે કેનાલનું પાણી ડાભસર, શણાલી, પાલૈયા ગામોના ૧૦૦થી વધુ ખેડૂતોના જમીનમાં પાણી ઘૂસી ગયું હતું.
પરિણામે ખેડૂતોએ વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે શિયાળું પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેનાલની બંને બાજૂએ તમાકુ, ડાંગર, રાજગરો સહિતના પાકોની વાવણી કરવામાં આવે છે. ટેમ્લી પેટા ગામથી શણાદરા ગામની હદમાં અંદાજે ૪૦૦થી વધુ ખેડૂતોના ખેતરો આવેલા છે. જોકે, નર્મદાની ટેમ્લી પેટા કેનાલમાં ભુવારા પડવાથી કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ જતું હોવાથી પાકને નુકસાન પહોંચતું હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા છે. કેનાલના સમારકામ અંગે નર્મદા નિગમની કચેરીઓમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા હોવાના અને માત્ર કાગળ ઉપર સમારકામની પ્રક્રિયા હાથ ધરી ગેરરીતિ આચરતા હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500