કડોદરા ચાર રસ્તા નજીક આવેલ જયઅંબે ટ્રેડર્સનાં ગોડાઉનમાં મળસ્કે 3 જેટલા તસ્કરો ત્રાટકયા હતા.ગોડાઉનની બહાર બેસેલા વોચમેનને તસ્કરોએ બંધક બનાવી મારમારી 10.50 લાખના વિમલ ગુટખાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ગુટખા ચોરીની ઘટના ગોડાઉનમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઇ હતી.
સુરત જિલ્લાના બારડોલી અને ચલથાણ ખાતે બે દિવસ પહેલા તસ્કરો ચોરીના ઇરાદે ત્રાટકયા હતા. બાદમાં ફરી તસ્કરોએ કડોદરા પંથકને જ નિશાન બનાવી લાખોની મત્તાનાં વિમલ ગુટખાની ચોરી કરવામાં સફળ રહ્યા હતા.કડોદરા ચાર રસ્તા નજીક નીતિનકુમાર ગમનલાલ મોદીની જયઅંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે.જે દુકાનની નજીકમાજ તેઓનું ગોડાઉન પણ આવેલું છે. જે ગોડાઉનને તસ્કરોએ ગતરોજ વહેલી સવારે નિશાન બનાવ્યું હતું.3 જેટલા તસ્કરો ગોડાઉન નજીક આવ્યા હતા.
દરમિયાન ગોડાઉનની બહાર ફરજ બજાવતા વોચમેન દલ બહાદુર સિંઘએ તસ્કરોને પૂછ્યું કે ગાડી શા માટે અહીં ઉભી કરી છે.તસ્કરોએ વોચમેનને બંધક બનાવી મારમારી ગુણચામાં બાંધીને ભરી દીધો હતો. અને એક કારમાં વોચમેનને લઈ જઈ ઉંભેળ ગામની સીમમાં ધક્કો મારી ફેંકી દેવાયો હતો. બાદમાં ગોડાઉનમાં પ્રવેશી 42 બોરી અને 25 છુટક પેકેટ વિમલ ગુટખાની તસ્કરો ચોરી કરી ગયા હતા. જયઅંબે ટ્રેડર્સનાં માલિકે સવારે આવીને જોતા ગોડાઉનમાંથી 10.50 લાખના વિમલ ગુટખાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેઓએ તાત્કાલિક કડોદરા GIDC પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
તસ્કરોની નજર CCTV કેમેરા પર પડતા લાકડી વડે કેમેરો ઉંચો કર્યો.
ગોડાઉનમાં વિમલ ગુટખાની ચોરી કરવા આવેલા 3 તસ્કરો ગોડાઉનમાં મુકેલ બોરીઓને ઉઠાવી બહાર મુકેલ વાહનમાં ભરવા લાગ્યા હતા.42 બોરીઓ પૈકી 5 થી 6 બોરીઓ તસ્કરો ગોડાઉનની બહાર લઈ ગયા બાદ એક તસ્કરની નજર ગોડાઉનમાં લાગેલ CCTV કેમેરા પર પડી હતી.તે તસ્કર બહારથી લાકડી લાવી કેમેરાને ઉંચો કર્યા બાદ ચોરીની ઘટનાને બિનદાસપણે અંજામ આપ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500