ઉમરગામના ટાઉન સ્થિત ભાઠા ફળિયાનાં માછી મંદિરમાં રહેતી 32 વર્ષીય ભોગ બનનારી મહિલા કામિનીએ બાર વર્ષ અગાઉ ઉમરગામ ટાઉનમાં રહેતા જિજ્ઞેશ રમેશભાઈ રાજપૂત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. કામિની લગ્ન કર્યા બાદ સાસરીમાં જ રહેતી હતી અને તેમને બે સંતાન પણ થયાં હતાં. જોકે, થોડાક સમયથી પતિ જિજ્ઞેશ તેમની પત્ની કામિની પર શંકા અને વહેમ રાખીને ઝઘડો-તકરાર કરતો હતો. વારંવાર કંકાસથી કંટાળીને કામિનીબેન તેમના પિયર ચાલી ગઈ હતી અને ઉમરગામ જીઆઇડીસીમાં નોકરી કરી હાલ પરિવારનું પોષણ કરે છે. કામિનીને તેમના પતિ જિજ્ઞેશે પિયરથી પોતાના ઘરે આવવા માટે પણ સમજાવી હતી. જોકે, ખરાબ સ્વભાવને કારણે તે પરત ફરી નહોતી. પત્ની પાસે જઇ સાસરે પરત કરવા દબાણ કર્યું હતું સાથે જ પગારમાંથી બચત કરેલ રૂપિયાની માંગણી પણ કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે સંબંધો વણસી ગયા હતા.
પરંતુ ગતરોજ સવારે કામિની તેની મિત્ર સાથે નોકરીએ જવા માટે ઉમરગામ કન્યા શાળા સામે રિક્ષાની રાહ જોતી ઊભી હતી. તે દરમિયાન પતિ જિજ્ઞેશ ત્યાં આવીને ખાનગી વાત કરવી છે કહીને કામિનીને રોડની સાઇડે લઇ જઇ સાથે લાવેલું પેટ્રોલ જેવું પ્રવાહી કામિની પર નાખીને લાઇટરથી આગ ચાપી ફરાર થઇ ગયો હતો. જોકે, તેમની સહેલી અને સ્થાનિક દોડી આવીને કામિનીને બચાવી લીધી હતી. ઉમરગામ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે પીડિતાને સારવાર અર્થે દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500