વાપી ગોલ્ડ કોઈન સર્કલ પાસે વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે બોગસ નંબર પ્લેટ લગાવી એસન્ટ કારમાં દારૂ લઈ જતા એક બુટલેગર ઝડપી પાડ્યો હતો.
વાપી ટાઉન પોલીસને મળતી બાતમીના આધારે, ગોલ્ડ કોઈન સર્કલ થઈ એક સફેદ કલરની હુન્ડાઈ એસન્ટ કાર નંબર જીજે/15/સીએફ/3632માં ગેર-કાયદેસર દારૂનો જથ્થો લઈ જવાય રહ્યો છે, તેથી ગોલ્ડ કોઈન સર્કલ પાસે પોલીસે વોચ ગોઠવી ઉભા હતા કે તે સમય દરમિયાન બાતમીવાળી કાર આવતી જોઈ પોલીસે કાર ચાલકને હાથ વડે ઈશારો કરતા ગાડી ઉભી રખાવી અને કાર ચાલકને ઉતારી કારની તપાસ હાથ ધરતા અંદરથી વગર પાસ પરમીટનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની 72 બોટલ જેની કીંમત રૂપિયા 57 હજાર કબ્જે કરી હતી.
તદ્દઉપરાંત પોલીસને કારમાંથી નંબરની 3 પ્લેટો મળી આવી હતી. જેના પર નંબર જીજે/21/એક્યુ/9928 લખેલો હતો. પોલીસ તપાસમાં આ એસન્ટ કારનો સાચો રજીસ્ટ્રેશન નંબર બીજો હતો. જ્યારે કાર ઉપર લગાવેળી નંબર પ્લેટ નંબર જીજે/15/સીએફ/3632 વાળો નંબર ખોટો હતો. નંબર પ્લેટ પર ખોટો નંબર હોવાનું જાણવા છતા કાર ચાલક દિનેશ રાજેન્દ્ર રાજપૂત(ઉ.વ.40, રહે.વલસાડ)એ તેનો ઉપયોગ કર્યો હતો. તેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે દારૂની ગેર-કાયદેસર હેરાફેરી ઉપરાંત બોગસ નંબર લગાવી કાર વહન કરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500