વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલી બાતમીના આધારે, એક વેગન કાર નં./જીજે/13/એન/4826માં સેલવાસથી ગેરકાયદેસર દારૂ ભરી વાપી તરફ આવી રહી છે. તેથી ડુંગરા ચણોદ ગુરુદ્રારા પાસે સેલવાસ-વાપી રોડ ઉપર એલ.સી.બી. ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન પોલીસને બાતમીવાળી કાર આવતી દેખાતા લાકડી અને હાથ વડે ચાલકને કાર ઉભી કરવા ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ઉભી ન રાખી ચણોદ કોલોની કે.બી.એસ. કોલેજ તરફ હંકારી મૂકી હતી. તેથી એલ.સી.બી. ટીમે તેનો પીછો કર્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાનું જોતા કારચાલકે ચણોદ કોલોનીથી કાર વાપી જીઆઈડીસી 100 શેડ તરફ અને ત્યાંથી ડુંગરી ફળિયા તરફ, ત્યાંથી 40 શેડ રોડ ઉપર થર્ડ ફેસ હનુમાન મંદિરથી બોઈલર અને ચાર રસ્તા થઈ કોચરવા ગામ તરફ કાર હંકારી મૂકી હતી. જોકે,તેમ છતાં એલ.સી.બી.એ પીછો ચાલુ રાખતા કોચરવા ગામે તળાવ પાસે કાચા રસ્તા ઉપર કાર ઉતારી દઈ ત્યાં મુકીને કારચાલક નાસી છુટ્યો હતો.
ત્યારબાદ એલ.સી.બી. ટીમે કારમાંથી દારૂની 1728 બોટલ કબ્જે કરી રૂપિયા 1,08,000/-નો દારૂ તથા 3 લાખની કાર મળી કુલ 4,08,000/- નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક બુટલેગર સામે પોહી. એક્ટનો ગુનો નોંધી ડુંગરા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500