દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી ઝરમર વરસાદ વરસતો હતો. ગત રોજ મોડી સાંજથી વલસાડ જિલ્લામાં સતત વરસતા વરસાદથી શહેરમાં શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. શાકભાજી માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે વેપારીઓ અને માર્કેટમાં ખરીદી માટે આવતા ગ્રાહકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
વરસાદી પાણીના નિકાલની લાઈનમાં શાકભાજી માર્કેટનો કચરો અને થેલા ફસાઈ જવાના કારણે શાકમાર્કેટ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો વલસાડ જિલ્લામાં વરસાદને કારણે વલસાડ નગર પાલિકાની ટીમને સ્થાનિક વેપારીઓએ જાણ કરતા નગર પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી. સાથે વલસાડ શહેર અને ખેરગામ તાલુકાને જોડતા છીપવાડ રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતા નોકરિયાતો અને વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓએ તેમાંથી પસાર થવાની નોબત આવી હતી. વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલાં 40 જેટલાં ગામોને જોડતા ગામોના લોકો રૂટિંન કામ માટે છીપવાડ રેલવે અંડરપાસનો સહારો લેતા હોય છે. આવા તમામ વાહન ચાલકોને ઘણા સમય સુધી પાણી ઉતરવાની રાહ જોવી પડી હતી. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં આજના સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરગામ તાલુકામાં 24mm, કપરાડા તાલુકામાં 44mm, ધરમપુર તાલુકામાં 53mm, વલસાડ તાલુકામાં 30mm અને વાપી તાલુકામાં સૌથી વધુ 69mm વરસાદ વરસતા લોકો તૌબા પોકારી ઉઠ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application