વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી કપરાડા પી.આઈ.ને એક આઈસર ટેમ્પોમાં ગાયો ભરી જોગવેલ ત્રણ રસ્તાથી કપરાડા નાસિક તરફ જઈ રહ્યો હોવાની અપાયેલી માહિતીના આધારે પોલીસ કર્મીઓએ અક્સા હોટલ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાં આવી પહોંચેલા ટેમ્પોને ઊભો રાખી તપાસ કરતા અંદર અત્યંત ક્રૂરતાપૂર્વક, ઠાંસી- ઠાંસીને દોરડાઓ વડે બાંધી રાખેલ ૦૮ ગીર ગાય તથા ૦૬ વાછરડીઓ મળી આવી હતી.
જોકે પોલીસે ટેમ્પો ચાલક કાળુ ભવાન જાદવ (ઉ.વ.૨૮., રહે.વાંકાનેર, જીનપરા શેરી નંબર ૧૨, જિ. મોરબી)ની પૂછપરછ કરતા તેણે આઈસર ટેમ્પો તેની માલિકીનો છે અને આ ગીર ગાયો તથા વાછરડીઓ મનસુખ ટીડાભાઈ જાદવ (રહે.કોઠી, તા.વાંકાનેર,જિ.મોરબી)નાં તબેલામાંથી ભરીને અજીત પુરુષોત્તમ પી.એસ. (રહે.ચરવીલા વેડુ,પોન્ગમોડું પોસ્ટ મેડિકલ કોલેજ, તા.જિ.તિરૂવનન્તપુરમ) કેરાલા ખાતે લઈ જતા હોવાની કબૂલાત કરી હતી. આરોપી ચાલકની કેફિયતનાં આધારે કપરાડા પોલીસે આરોપી કાળુ જાદવ, અજીત પુરૂષોત્તમ પી.એસ. તેમજ જતીન બકુલ શાહ (રહે.સરકારી સ્કૂલની બાજુમાં, મધાપાર, તા.રાજકોટ)ની ધરપકડ કરી હતી. જ્યારે પશુઓ ભરાવનાર આરોપી મનસુખ જાદવને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રૂપિયા ૨,૪૬,૦૦૦/-ની કિંમતની ગીરગાયો તથા વાછરડીઓ, ૦૪ મોબાઇલ ફોન અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૨.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500