રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા (એન્કેફેલાઈટીસ) વાયરસના કેસો નોંધાયા છે. ત્યારે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના તમામ પગલા જિલ્લા આરોગ્ય તંત્ર અને સિવિલ હોસ્પિટલ દ્વારા લેવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે તબીબી અને નર્સિંગ સ્ટાફ તેમજ એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ સજ્જ રહે તે માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વર્કશોપ પણ યોજાયો હતો. જેમાં આ રોગના લક્ષણો, તેને અટકાવવા માટેના ઉપાયો અને સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી.
ચાંદીપુરા (એન્કેફેલાઈટીસ) બિમારી ૯ થી ૧૪ વર્ષ સુધી બાળકોના મગજ પર વધુ અસર કરે છે. આ એક આરએનએ વાયરસ છે. જેના ફેલાવા માટે સેન્ડફલાય (માખી) જવાબદાર છે. આ બિમારીના લક્ષ્ણ જોઈએ તો, બાળકને સખત તાવ આવવો, ઝાડા ઉલટી થવી, ખેંચ આવવી કે અર્ધ બેભાન પણ થઈ શકે છે. આ રોગથી બાળકોને બચાવવા માટે મચ્છરદાનીમાં સુવડાવવુ, માખી મોટે ભાગે ઘરની અંદર તથા બહાર દિવાલની તિરાડોમાં વધુ જોવા મળતી હોય દિવાલની તિરાડો પુરી દેવી, જંતુનાશક દવાનો છંટકાવ કરવો વગેરે કાળજી રાખી શકાય છે.
વરસાદી સિઝનમાં સામાન્યપણે આ વાયરસ જોવા મળે છે. વલસાડ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ભાવેશ ગોયાણીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં પૂરતા વેન્ટીલેટર્સ, ઓક્સિજન અને દવા તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે સજ્જ છે. આ રોગની સારવારમાં ખાસ કરીને ઓક્સિજનની વધુ જરૂર પડે છે. જે માટે આઈસીયુ અને એનઆઈસીયુની સુવિધા ઉપલબ્ધ છે. વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કિરણ પટેલે જણાવ્યું કે, જિલ્લાના ૧૦૮ ગામોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યાં કાચા ઘરોમાં તિરાડો પુરવા જણાવવામાં આવ્યું છે. આ સિવાય માખીના ઉપદ્રવને અટકાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. તમામ સ્ટાફ પણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500