૨૪ કલાક સેવા આપતી અભયમ સેવા પીડિત મહિલાઓ માટે સાચી સહેલી બની ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંકલિત રીતે તા.૮ માર્ચ ૨૦૧૫ના રોજ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્ય વ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન કાર્યરત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩માં સમગ્ર વર્ષ દરમિયાન ૨૯૫૫ કેસમાં અભયમ ટીમે મહિલાઓનો બચાવ કરી સહાયતા પુરૂ પાડી છે. મહિલાઓને ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીના સમયે તાત્કાલિક ધોરણે બચાવ સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. પીડિત મહિલાઓ માટે અભયમ એક સાચી સહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે.
૨૪*૭ કલાક વિનામૂલ્યે અપાતી સેવાઓ મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ અને સિનિયર સિટીઝન માટે આશીર્વાદરૂપ બની છે. લગ્ન જીવન અને લગ્નેતર સંબંધમાં અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખવાદ દૂર કરી પરિવારમાં સુલેહ શાંતિ વધારવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ સાથે કાર્ય સ્થળે થતી શારીરિક, માનસિક કે જાતીય સતામણીને લગતી બાબતો, જાતીય તેમજ બાળ જન્મ અને આરોગ્યને લગતી બાબતોમાં સુખદ સેવાઓ આપવામાં આવી રહી છે. આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ, પેરેંટિંગ ઇસ્યુ, માનસિક હતાશા, મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકોના પ્રશ્નો, પાડોશી સાથેના ઝઘડાઓ અને તરુણાવસ્થાના પ્રશ્નોમાં અભયમ હંમેશા પીડિતાની પડખે ઊભી રહી છે.
આ ઉપરાંત ઘરેથી કાઢી મુકેલી મહિલા, ગૃહ ત્યાગ કે ભુલી પડેલી મહિલાઓ સહિત બાળકોને પરિવાર સુધી પહોંચાડ્યા છે અથવા સુરક્ષિત આશ્રય અપાવવામાં મદદરૂપ થઈ છે. એટલે જ તો મહિલાઓ અભયમ ટીમમાં વિશ્વાસ રાખી પોતાની અંગત સમસ્યાઓના હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની મદદ મેળવતી થઈ છે. જિંદગીના વિખવાદો દૂર કરી મહિલાઓમાં એક નવી આશા જગાડી છે. વર્ષ દરમિયાન પીડિત મહિલા મહિલાઓએ મદદ માટે ૨૯૫૫ જેટલા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કૉલ કર્યા હતા જેમાંથી ૬૩૯ કેસમાં અભયમ રેસક્યુ વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાઓનો બચાવ અને સહાયતા પહોંચાડી હતી. બાકીના કેસમાં કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી મદદરૂપ બની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500